UEFA Champions League Final 2022: સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડે 14મી વખત ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં શનિવારે મોડી રાત્રે રમાયેલી ફાઇનલમાં રિયલ મેડ્રિડે ઇંગ્લિશ ક્લબ લિવરપૂલને 1-0થી હરાવ્યું હતું. વિનિસિયસ જુનિયરે 59મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો.






આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. શરૂઆતથી જ બંને ટીમો એકબીજા પર ભારે પડી રહી હતી. પરંતુ બંને ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. પ્રથમ હાફ ગોલ વિના રહ્યો હતો. પ્રથમ હાફમાં લિવરપૂલે ગોલ માટે પાંચ શૉટ લગાવ્યા હતા જ્યારે રિયલ મેડ્રિડની ટીમ એક જ શોર્ટ ફટકારી શકી હતી.


બીજા હાફની શરૂઆત થતાં જ રિયલ મેડ્રિડે વર્ચસ્વ જમાવવાનું શરૂ કર્યું અને 59મી મિનિટે ડેની કાર્વાહલના પાસ બાદ ફેડેરિકો વેલવર્દેના આસિસ્ટ પર વિનિસિયસે ગોલ કર્યો હતો. આ ગોલ પણ મેચ વિનિંગ રહ્યો હતો. આ પહેલા 47મી મિનિટે લુઈસ ડિયાઝ ગોલ કરવાથી ચૂકી ગયો હતો.


રિયલ મેડ્રિડ છેલ્લી ફાઇનલમાં 1981માં હારી ગઇ હતી


રિયલ મેડ્રિડે રેકોર્ડ 14મી વખત આ ખિતાબ જીત્યો છે. આ સ્પેનિશ ક્લબ છેલ્લે 1981માં ફાઇનલમાં હારી હતી. ત્યારે પણ લિવરપૂલે 1-0થી હરાવ્યું હતું. ત્યાર પછી રિયલ મેડ્રિડે 8 વખત ટાઈટલ જીત્યું છે. આ સાથે જ લિવરપૂલને ચોથી વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ ઇંગ્લિશ ક્લબને 2018માં છેલ્લી વખત રિયલ મેડ્રિડે 3-1થી પણ હરાવ્યું હતું.


સૌથી વધુ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ ધરાવતી ક્લબ


રિયલ મેડ્રિડ - 13 ટાઇટલ


મિલાન - 7 ટાઇટલ


લિવરપૂલ - 6 ટાઇટલ


બેયર્ન મ્યુનિક - 6 ટાઇટલ


બાર્સેલોના - 5 ટાઇટલ


 


મેનેજર કાર્લો એન્સેલોટીએ પણ ઈતિહાસ રચ્યો હતો


રિયલ મેડ્રિડ ક્લબના મેનેજર કાર્લો એન્સેલોટીએ પણ ઈતિહાસ રચી દીધો છે. હવે તે ચાર વખત આ ટાઇટલ જીતનાર પ્રથમ મેનેજર બની ગયો છે. તેણે 2014માં મેડ્રિડ સાથે પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું. અગાઉ 2003 અને 2007માં એસી મિલાન આ ખિતાબ જીતી ચૂકી છે. તેણે મેડ્રિડ સાથે તેની પ્રથમ સિઝનમાં સ્પેનિશ ટાઇટલ જીત્યું હતું. મેડ્રિડે ઝિનેદીન ઝિદાનના કોચિંગ હેઠળ લિવરપૂલને હરાવીને 2018માં 13મી વખત યુરોપિયન કપ જીત્યો હતો.


આ સાથે કાર્લો એન્સેલોટી 5મી વખત ચેમ્પિયન્સ લીગની ફાઈનલ રમનાર પ્રથમ મેનેજર બની ગયો છે. મેનેજર રહીને તે બીજી વખત રિયલ મેડ્રિડને ફાઇનલમાં લઈ ગયો છે. અગાઉ આ સિદ્ધિ 2014માં મળી હતી. આ સિવાય કાર્લોએ ત્રણ વખત (2003, 2005, 2007) મેનેજર રહીને ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં એસી મિલાનનું નેતૃત્વ કર્યું હતું.