નવી દિલ્હીઃ શુક્રવારે રાતે રમાયેલા આઈપીએલ સીઝન 12ના બીજા ક્વાલિફાયર મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હીને 6 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો રેકોર્ડ બનાવ્યો હતો. દિલ્હી સામેની જીત ચેન્નાઈની IPLમાં 100મી જીત હતી.


ચેન્નાઇ સુપર કિંગ્સે આઈપીએલમાં 10 વખત ભાગ લીધો છે અને રેકોર્ડ આઠ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. 2016 અને 2017માં ટીમ પર પ્રતિબંધ હોવાના કારણે આઈપીએલ રમી શકી નહોતી. ચેન્નાઈની ટીમ 2008માં પ્રથમ વખત આઈપીએલમાં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં રાજસ્થાન રોયલ્સે હરાવી હતી.  2010, 2011, 2012, 2013, 2015 અને 2018ની ફાઇનલમાં પહોંચી ચુકી છે.  જેમાંથી ત્રણ વખત તે આઈપીએલ ખિતાબ પોતાના નામે કરી ચુકી છે. 2010 અને 2011માં સતત બે વખત ખિતાબ પર કબજો કર્યો હતો. જે પછી 2018માં પણ ચેન્નાઈએ ખિતાબ જીત્યો હતો.


ચેન્નાઇ સુપર કિંગ્સ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીએ પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ધોની સૌથી વધારે આઈપીએલ ફાઇનલ મેચ રમનારો ખેલાડી છે. રવિવારે મુંબઈ સામે ધોની નવમી વખત આઇપીએલ ફાઇનલ રમશે. ધોની રાઇઝિંગ પુણે સુપરજાયન્સના ખેલાડી તરીકે એક વખત ફાઇનલ રમી ચુક્યો છે, જ્યારે આઠમી વખત ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આઈપીએલ ફાઇનલમાં રમશે.

 IPL2019: દિલ્હી સામે ચેન્નઈની 6 વિકેટે જીત, ફાઈનલમાં મુંબઈ સામે ટકરાશે