વિન્ડિઝ માટે લારાએ વનડેમાં 10,348 રન બનાવ્યા હતા જ્યારે ગેલે ભારત સામે બીજી વનડેમાં 7 રન બનાવતા જ રેકોર્ડ તોડ્યો હતો. ગેલના નામે હવે વનડેમાં 10,353 રન નોંધાયા છે. આવાનારા દિવસોમાં પણ વિન્ડિઝ ટીમનો કોઈ ખેલાડી ગેલનો આ રેકોર્ડ તોડે એવું લાગતું નથી. જેના કારણે લાંબા સમય સુધી ગેલના નામે આ રેકોર્ડ રહેશે. બીજી બાજુ ગેલ વિન્ડિઝ માટે 300 વનડે રમનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમ તરફથી વનડેમાં ડબલ સેન્ચુરી ફટકારનારો પણ તે એકમાત્ર બેટ્સમેન છે.
ક્રિસ ગેલ અત્યારે ભલે અસામાન્ય ઝિંદગી જીવતો હોય, પાર્ટી કરતો હોય, પણ તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ક્રિસ ગેલનો પરિવાર એક કાચી ઝુંપડીમાં રહેતો હતો. ગરીબ હોવાના કારણે ગેલ પોતાનો અભ્યાસ પૂરો નહોતો કરી શક્યો. પોતાના પરિવારનું પેટ ભરવા એક સમયે કચરો એકઠો કરતો હતો. જે વેચી પૈસા કમાતો હતો. એક ઈન્ટરવ્યૂમાં ગેલે ખુલાસો કર્યો હતો કે એક વાર પરિવારનું પેટ ભરવા તેણે ચોરી પણ કરી હતી. ક્રિસ ગેલે વનડેમાં ભારત સામે જ ડેબ્યુ કર્યું હતું. જો કે સારું પ્રદર્શન ન કરવાના કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. એ પછી તેણે 2002માં વાપસી કરી હતી. ભારત સામેની જ મેચમાં તેણે 3 સેન્ચુરી ફટકારી દીધી હતી.