Commonwealth Games 2022: ભારતની સ્ટાર મહિલા જૈવલિન થ્રોઅર અનુ રાનીએ આજે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આજે જૈવલિન થ્રો મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી અનુ રાનીએ શાનદાર રમત બતાવી અને 60 મીટરના અંતર સુધી ભાલો ફેંક્યો હતો. આ મેડલ સાથે ભારતના ખાતામાં વધુ એક મેડલ જોડાયો છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અનુ રાની મેડલ જીતવામાંથી ચૂકી ગઈ હતી. તે ટૂર્નામેન્ટમાં તે સાતમા ક્રમે રહી હતી. હવે આજે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને તેણે એ હારનો બદલો લઈ લીધો છે.
ભારતનો ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા તેની ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાં નથી રમી શક્યો. નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં અચૂક મેડલ જીતી શક્યો હતો પરંતુ તે પહેલાં તે ગેમ્સમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારે આજે અનુ રાનીએ જૈવલીન થ્રોની રમતમાં મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. મહત્વનું છે કે, નીરજ ચોપરાએ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા ઈજાગ્રસ્ત થયો હતો.
ભારતના ખેલાડીઓ બોક્સિંગ, હોકી અને ટ્રિપલ જમ્પમાં પણ શ્રેષ્ઠઃ
આજે કોમનવેલ્થ ગેમ્સના 10મા દિવસે ભારતીય બોક્સર અમિત પંઘાલે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. આજે રમાયેલી ફાઈનલ મેચમાં તેણે ઈંગ્લેન્ડના મેકડોનાલ્ડને હરાવ્યો હતો. તે જ સમયે, હોકીમાં પણ ભારતીય ટીમ માટે આજનો દિવસ ખાસ રહ્યો છે. આજે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડને પેનલ્ટી શૂટઆઉટ દ્વારા હરાવ્યું હતું. આ જીત સાથે મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો હતો.
ભારતને આજે ટ્રિપલ જમ્પમાં પણ બેવડી સફળતા મળી છે. ભારતના એલ્ડોસ પૉલે ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ અબ્દુલ્લાએ આ જ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પોતના નામે કર્યો છે. આ ગેમ્સ સિવાય પીવી સિંધુ આજે બેડમિન્ટનની મહિલા સિંગલ મેચમાં ફાઇનલમાં પહોંચી ગઈ છે. પીવી સિંધુ હવે ગોલ્ડ મેડલથી માત્ર એક ડગલું દૂર છે. તેના સિવાય ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે સેમિફાઇનલમાં સિંગાપોરના શટલરને હરાવ્યો હતો.