Commonwealth Games 2022: કૉમનવેલ્થ ગેમ્સ 2022 ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાશે. ભારતીય ખેલાડીઓ સંપૂર્ણ તૈયારી સાથે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. વાસ્તવમાં કૉમનવેલ્થ ગેમ્સ 2022ની મેચ 28 જૂલાઈથી શરૂ થશે. જો કે આ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારત માટે સૌથી મોટી આશા પૈકી એક નીરજ ચોપરા ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.


નીરજ ચોપરા ટુનામેન્ટમાંથી બહાર નીકળતા  બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને બુધવારે કૉમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ માટે ભારતીય દળના ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે પીવી સિંધુને ઓપનિંગ સેરેમની માટે ભારતીય ટીમની ધ્વજવાહક બનાવવામાં આવી છે.


સોની નેટવર્કની ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે


ભારતીય દર્શકો ટીવી પર જીવંત પ્રસારણ જોઈ શકશે. ખરેખર, કૉમનવેલ્થ ગેમ્સ 2022નું સોની નેટવર્કની ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ચાહકો સોની લાઈવ એપ પર લાઈવ બ્રોડકાસ્ટ જોઈ શકશે. નોંધનીય છે કે કૉમનવેલ્થ ગેમ્સ 2022ના પ્રસારણ અધિકારો સોની નેટવર્ક પાસે છે. ટૂર્નામેન્ટ 28 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર લગભગ 3 વાગ્યે શરૂ થશે.


નીરજ ચોપરા ટુર્નામેન્ટમાંથી બહાર


નોંધનીય છે કે નીરજ ચોપરાએ તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (WAC 2022)માં સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ તે આ ટુર્નામેન્ટમાં ભારતીય દળનો ભાગ નહીં હોય. આ સિવાય ઐશ્વર્યા બાબુ પણ ભારતીય ટીમનો ભાગ નથી. ખરેખર, ઐશ્વર્યા બાબુ ડોપ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતના 213 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.


19 રમતોમાં 283 મેડલ ઈવેન્ટ યોજાશે


કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારોહ 28 જૂલાઈના રોજ રાત્રે 11.30 વાગ્યાથી યોજાશે. આ વખતે 72 દેશોના 4,500 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જ્યારે 19 રમતોમાં 283 મેડલ ઈવેન્ટ્સ થશે. નોંધનીય છે કે 24 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની એન્ટ્રી થઈ રહી છે. ભારતે સૌપ્રથમ 1934માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. તે સમયે કોમનવેલ્થ ગેમ્સ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે ઓળખાતી હતી.