પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, ઉમર અકમલે થોડા દિવસ પહેલા જ આ અંગેની જાણ કેનેડાની ગ્લોબલ ટ્વેન્ટી-૨૦ લીગના આયોજકોને તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એન્ટિ કરપ્શન યુનિટને કરી હતી. ઉમર અકમલ વિનિંગપેગ હોક્સની ફ્રેન્ચાઈઝી તરફથી ગ્લોબલ ટી-૨૦ લીગમા રમી રહ્યો છે. આ લીગમાં ભારતનો ઓલરાઉન્ડર યુવરાજ સિંઘ તેમજ ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ જેવા ધુરંધરો રમી રહ્યા છે.
ઉમર અકમલે પાકિસ્તાનના જ ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર મંસૂર અખ્તર પર ફિક્સિંગ માટે એપ્રોચ કરવાનો આરોપ મૂક્યો છે. ઉમર અકમલ જે ટીમમાંથી રમી રહ્યો છે, તે વિનિંગપેગ હોક્સ ફ્રેન્ચાઈઝીના મેનેજમેન્ટમાં જ મંસૂર અખ્તરનો સમાવેશ થાય છે. ૬૧ વર્ષના મંસૂર અખ્તર ૧૯૭૬ થી ૧૯૯૦ દરમિયાન ૧૯ ટેસ્ટ અને ૪૧ વન ડે રમી ચૂક્યો છે.