‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
Virat Kohli records ODI series: વિરાટ કોહલીએ ક્રિકેટના કોઈપણ એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

Virat Kohli records ODI series: ભારતીય ક્રિકેટ ટીમના 'રન મશીન' ગણાતા વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં પોતાના બેટથી તોફાન મચાવી દીધું છે. ભારતે આ શ્રેણી 2-1થી જીતી લીધી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલીના અકલ્પનીય પ્રદર્શનની થઈ રહી છે. ત્રણ મેચમાં 302 રન ફટકારીને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બનેલા કોહલીએ માત્ર રન જ નથી ખડક્યા, પરંતુ ક્રિકેટ ઇતિહાસના 10 મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. તેણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના પણ અનેક રેકોર્ડ તોડીને અશક્યને શક્ય કરી બતાવ્યું છે.
એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદીનો વિશ્વવિક્રમ
વિરાટ કોહલીએ ક્રિકેટના કોઈપણ એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. અત્યાર સુધી સચિન તેંડુલકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં 51 સદીનો રેકોર્ડ હતો. જેને પાછળ છોડીને વિરાટ કોહલીએ વન-ડે (ODI) ફોર્મેટમાં 53 સદી ફટકારીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ તે એક જ ફોર્મેટમાં સર્વાધિક સદી મારનાર બેટ્સમેન બની ગયો છે.
ઘરઆંગણે સદીઓની વણઝાર: 25 સદી કરનાર પ્રથમ ખેલાડી
પોતાની ધરતી પર રમતી વખતે વિરાટ કોહલી વધુ ખતરનાક બની જાય છે. તે ઘરઆંગણે 25 કે તેથી વધુ વન-ડે સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ક્રિકેટર બની ગયો છે. ભારતીય મેદાનો પર તેના નામે હવે કુલ 26 સદી નોંધાઈ ચૂકી છે, જે તેની સાતત્યપૂર્ણ બેટિંગનો પુરાવો છે.
‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ એવોર્ડમાં સચિનનો રેકોર્ડ તૂટ્યો
પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મળતા 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડમાં પણ કોહલીએ બાજી મારી લીધી છે. સચિન તેંડુલકર 19 વખત આ એવોર્ડ જીત્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કરીને 20મી વખત આ ખિતાબ જીતી સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ સદી
કોઈ એક ચોક્કસ ટીમ સામે પ્રભુત્વ જમાવવાની બાબતમાં વિરાટ અવ્વલ છે. દક્ષિણ આફ્રિકાની મજબૂત બોલિંગ લાઈનઅપ સામે તેણે વન-ડે ક્રિકેટમાં કુલ 7 સદી ફટકારી છે. વિશ્વના કોઈપણ બેટ્સમેને પ્રોટીઝ ટીમ સામે વન-ડેમાં આટલી સદી ફટકારી નથી.
રોહિત-વિરાટની જોડી: સૌથી વધુ મેચ રમનાર ભારતીય જોડી
ભારતીય ક્રિકેટના બે આધારસ્તંભ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સાથે મળીને રમવાની બાબતમાં પણ રેકોર્ડ બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ જોડીએ 394 મેચો સાથે રમી છે. આ સાથે તેમણે રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરની જોડી (391 મેચ) ના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
સતત બે સદી ફટકારવાની અનોખી સિદ્ધિ (11મી વખત)
આ શ્રેણીમાં વિરાટે સતત બે ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. પોતાની વન-ડે કારકિર્દીમાં આવું પરાક્રમ તેણે 11મી વખત કર્યું છે. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે બીજા નંબરે આવતા એબી ડી વિલિયર્સ માત્ર 6 વખત જ આવું કરી શક્યા છે.
સાતત્યપૂર્ણ પ્રદર્શન: સતત ચાર ઈનિંગ્સમાં 50+ સ્કોર
વિરાટ કોહલીની રન બનાવવાની ભૂખ અવિરત છે. તેણે પોતાની કારકિર્દીમાં 9મી વખત એવું બન્યું છે કે સતત ચાર કે તેથી વધુ ઈનિંગ્સમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા હોય. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણેય મેચ અને તે પહેલાં ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં તેણે અડધી સદીથી વધુ રન બનાવ્યા હતા.
34 અલગ-અલગ મેદાનો પર સદીનો રેકોર્ડ
વિરાટ કોહલી માત્ર એક જ પ્રકારના મેદાનો પર નહીં પણ દુનિયાના ખૂણે ખૂણે રન બનાવે છે. તેણે હવે 34 અલગ-અલગ સ્થળો (Venues) પર વન-ડે સદી ફટકારી છે. આ મામલે તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.
રોહિત-કોહલીની ભાગીદારી: 20મી સદીની પાર્ટનરશિપ
વન-ડે ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીએ 20મી વખત શતકીય (100 રનથી વધુ) ભાગીદારી નોંધાવી છે. આ સાથે તેમણે સંગાકારા અને દિલશાનની જોડીની બરાબરી કરી છે. હવે માત્ર સચિન અને ગાંગુલીની જોડી (26 સદીની ભાગીદારી) તેમનાથી આગળ છે.
પ્રોટીઝ ટીમ સામે રનનો ખડકલો: સૌથી વધુ 50+ સ્કોર
દક્ષિણ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20) મળીને સૌથી વધુ વાર 50 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ હવે વિરાટના નામે છે. તેણે આફ્રિકન ટીમ સામે કુલ 27 વખત 50+ નો સ્કોર નોંધાવ્યો છે, જે તેની શ્રેષ્ઠતા સાબિત કરે છે.




















