BCCI Naman Awards 2026: રવિવારે દિલ્હીમાં બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ્સ આપવામાં આવનાર છે. ગયા વર્ષે પોતાના ધમાકેદાર પ્રદર્શન માટે જ્યાં શુભમન ગિલને 'ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ આપવામાં આવશે, તો રાહુલ દ્રવિડ, મિતાલી રાજ અને રોજર બિન્નીને 'કર્નલ સી. કે. નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. બીસીસીઆઈએ શનિવારે આ જાણકારી આપી હતી કે આ વર્ષે ત્રણ દિગ્ગજોને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે કહ્યું, "આ વર્ષના સમારોહમાં, રોજર બિન્ની અને રાહુલ દ્રવિડને 'કર્નલ સી. કે. નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. આ BCCIનું સર્વોચ્ચ સન્માન છે, જે ભારતીય ક્રિકેટમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. મિતાલી રાજને 'BCCI લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ફોર વિમેન' મળશે, જે ભારતમાં મહિલા ક્રિકેટના વિકાસ અને વૈશ્વિક સ્તરે તેની ઓળખ બનાવવામાં તેમના અસાધારણ યોગદાનની માન્યતા આપે છે."
બિન્નીને ભારતની ઐતિહાસિક 1983 ક્રિકેટ વર્લ્ડ કપ જીતમાં એક ખેલાડી તરીકેના તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ટૂર્નામેન્ટમાં તેઓ સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડી બન્યા હતા. બિન્ની નિવૃત્તિ પછી કોચ, પસંદગીકાર અને બીસીસીઆઈ અધ્યક્ષ પણ રહ્યા હતા. દ્રવિડને તેમની શાનદાર રમત કારકિર્દી, જેમાં તેમણે 24,000 થી વધુ રન બનાવ્યા છે, અને એક મેન્ટર તથા કોચ તરીકેના તેમના પ્રભાવશાળી કાર્ય માટે સન્માનિત કરવામાં આવશે.
નમન એવોર્ડ્સ 2024-25 સીઝન દરમિયાન ઈન્ટરનેશનલ, ઘરેલું અને એજ-ગ્રુપ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓને પણ સન્માનિત કરશે. ભારતના ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલને 2024-25 સીઝન માટે 'બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (પુરુષ)'નો પોલી ઉમરીગર એવોર્ડ બીજી વખત મળશે. સ્મૃતિ મંધાનાને તેની કારકિર્દીમાં પાંચમી વખત 'બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (મહિલા)'નો એવોર્ડ મળશે.
ઘરેલું ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાં, મુંબઈની સુશ્રી ઈરા જાધવને બેટથી શાનદાર પ્રદર્શનવાળી સીઝન બાદ 'બેસ્ટ મહિલા ક્રિકેટર (ઘરેલું)' માટે જગમોહન દાલમિયા ટ્રોફી મળશે. હરિયાણાની શેફાલી વર્માને 2024-25 સીઝન માટે 'બેસ્ટ મહિલા ક્રિકેટર (સીનિયર ઘરેલું વન ડે)' માટે જગમોહન દાલમિયા ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
મુંબઈના આયુષ મ્હાત્રેને 2024-25 સીઝન માટે ઘરેલું લિમિટેડ ઓવર સ્પર્ધાઓમાં 'બેસ્ટ ઓલરાઉન્ડર'નો લાલા અમરનાથ એવોર્ડ મળશે, જ્યારે વિદર્ભના હર્ષ દુબેને 2024-25 સીઝન માટે રણજી ટ્રોફીમાં 'બેસ્ટ ઓલરાઉન્ડર'નો લાલા અમરનાથ એવોર્ડ મળશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનને ફરી એકવાર BCCIની ઘરેલું ટૂર્નામેન્ટ્સમાં 'બેસ્ટ પ્રદર્શન'નો એવોર્ડ મળશે, કારણ કે તેમણે આ સીઝનમાં ચાર ટ્રોફી જીતી અને બેમાં રનર્સ-અપ રહ્યા.
