નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ના મેગા ઓક્શનને હવે ગણતરીના દિવસો બાકી છે. બીસીસીઆઇ દ્ધારા 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આરસીબીના કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ રાજીનામું આપી દીધું છે ત્યારે હવે આરસીબીનો નવો કેપ્ટન કોણ હશે તેને લઇને ચર્ચા જાગી છે. આરસીબીએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ક્યા ખેલાડીઓ આરસીબીનો કેપ્ટન બની શકે છે. જેમાં  યુવા વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનનું નામ પણ સામેલ છે.






આરસીબી ટીવી અનુસાર, આખરે ટીમ ભારતીય કે વિદેશી ખેલાડી પર દાવ લગાવશે. વીડિયોમાં 5 ખેલાડીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ શ્રેયસ ઐય્યરની વાત કરી છે. ઐય્યર દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે.  તે સિવાય વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી જેસન હોલ્ડરનું નામ પણ સામેલ છે. ઓલરાઉન્ડર તરીકે તેનું પ્રદર્શન સારું રહ્યું છે. ઈંગ્લેન્ડના વન-ડે ટીમના કેપ્ટન ઈયોન મોર્ગનનું નામ પણ RCBના કેપ્ટનની રેસમાં છે. તેણે 2019માં ઈંગ્લેન્ડને ODI વર્લ્ડ કપ ટાઈટલ અપાવ્યું હતું. તે છેલ્લી સિઝનમાં KKRનો કેપ્ટન હતો અને તેણે ટીમને ફાઇનલમાં પણ પહોંચાડી હતી.


ઈશાન કિશન ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. તે તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. પાંચમા ખેલાડી તરીકે ડેવિડ વોર્નરનું નામ સામેલ છે. તેણે કેપ્ટન તરીકે સનરાઇઝર્સ હૈદરાબાદને ચેમ્પિયન બનાવી છે.  એક રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને ટીમે જાળવી રાખ્યો છે. તે ટીમનો કેપ્ટન બનવાની રેસમાં પણ છે.