ACC રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ (ACC Rising Stars tournament) 14 નવેમ્બરથી શરૂ થશે. ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ 16 નવેમ્બરના રોજ રમાશે. અગાઉ ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ તરીકે ઓળખાતી આ ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે. આ ટુર્નામેન્ટ 14 નવેમ્બરથી શરૂ થશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 નવેમ્બરે હાઇ-વોલ્ટેજ મેચ રમાશે.
બંને દેશો વચ્ચે લીગ મેચ રમાશે પરંતુ ટુર્નામેન્ટના શિડ્યૂલની વાત કરીએ તો બંને કટ્ટર હરીફ ટુર્નામેન્ટમાં બે વાર એકબીજાનો સામનો કરી શકે છે. 23 નવેમ્બરે યોજાનારી ફાઇનલ પણ બંને દેશો વચ્ચે રમાઈ શકે છે. વાસ્તવમાં આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન બે વાર કેવી રીતે એકબીજાનો સામનો કરી શકે છે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ગ્રુપ Bમાં ભારત, ઓમાન, પાકિસ્તાન અને UAEનો સમાવેશ થાય છે.
21 નવેમ્બરે બે સેમિફાઇનલ છે. પ્રથમ સેમિફાઇનલમાં ગ્રુપ A ની નંબર 1 ટીમ અને ગ્રુપ B ની નંબર 2 ટીમ વચ્ચે મુકાબલો થશે, જ્યારે બીજી સેમિફાઇનલમાં ગ્રુપ B ની નંબર 1 ટીમ અને ગ્રુપ A ની નંબર 2 ટીમ વચ્ચે મુકાબલો થશે. ત્યારબાદ ફાઇનલ 23 નવેમ્બરના રોજ યોજાશે.
ગ્રુપ B માં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઓમાન અને UAE જેવી નબળી ટીમોનો સમાવેશ થતો હોવાથી એવું માનવામાં આવે છે કે ઓમાન અને UAE સેમિફાઇનલ માટે ક્વોલિફાય નહીં થાય. પરિણામે ભારત અને પાકિસ્તાન ગ્રુપ B ની બે ટીમો હશે, જે સેમિફાઇનલમાં ગ્રુપ A ની બે ટીમોનો સામનો કરશે. જો ભારત અને પાકિસ્તાન તેમની સેમિફાઇનલ જીતે છે તો તેઓ ફાઇનલમાં પહોંચી શકે છે.
ભારત અને પાકિસ્તાન એશિયા કપ પછી પહેલી વાર ટકરાશે
સપ્ટેમ્બરમાં એશિયા કપ પછી ભારત અને પાકિસ્તાનની પુરુષ ટીમો વચ્ચે આ મેચ પ્રથમ ક્રિકેટ મેચ હશે. જોકે, તાજેતરના વન-ડે વર્લ્ડ કપમાં બંને દેશોની મહિલા ટીમોએ એકબીજાનો સામનો કર્યો હતો. જ્યારે પુરુષોની ટીમો એશિયા કપ રમી હતી, ત્યારે બંને દેશોના ખેલાડીઓ વચ્ચે કોઈ હાથ મિલાવ્યો ન હતો કે ઔપચારિક અભિવાદન થયું ન હતું.
ભારતે ટાઈટલ જીત્યું હતું પરંતુ ટીમ ટ્રોફી વિના ઘરે પરત ફરી હતી. અહેવાલો અનુસાર, ભારતીય ટીમે ACC વડા મોહસીન નકવી (જે પાકિસ્તાનના ગૃહમંત્રી અને PCB ચેરમેન પણ છે) પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો. લાંબી રાહ જોયા પછી જ્યારે સ્પષ્ટ થયું કે ભારતીય ખેલાડીઓ સ્ટેજ પર દેખાશે નહીં ત્યારે ACC અધિકારીએ ટ્રોફી લઈને નીકળી ગયા હતા.
ACC ઇમર્જિંગ ટીમ્સ ટુર્નામેન્ટ 2013માં શરૂ કરવામાં આવી હતી અને તેની છ સીઝન રમાઈ છે. શરૂઆતમાં અંડર-23 સ્તરે રમાતી હતી તે પછીથી 'A' ટીમની ટુનામેન્ટ બની ગઈ હતી. અત્યાર સુધી પાકિસ્તાન અને શ્રીલંકા બે વાર જીતી ચૂક્યા છે, જ્યારે ભારત અને અફઘાનિસ્તાને એક-એક વાર જીતી છે. છેલ્લી સીઝન 2024માં ઓમાનમાં રમાઈ હતી, જ્યાં અફઘાનિસ્તાને શ્રીલંકાને સાત વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વખતે આ ટુર્નામેન્ટ દોહામાં યોજાઈ રહી છે.