મુંબઈઃ જીવલેણ રોડ અકસ્માતે વધુ એક ક્રિકેટરનો ભોગ લીધો છે. આ ક્રિકેટર અફઘાનિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન નજીબુલ્લાહ તારકઈ છે. તારકઈ  2 ઓક્ટોબરના રોજ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક કારે તેને જોરદાર ટક્કર મારી હતી. તારકઈ ગંભીર રીતે ઘાયલ થયો થતાં તેની સર્જરી કરવી પડી હતી પણ છતાં તેને બચાવી શકાયો નથી.


અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપી છે. સીબીએ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નજીબ 2 ઓક્ટોબરના રોજ કાર એક્સિડેન્ટમાં ઘાયલ થયા પછી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ને  કોમામાં હતો. તેના માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. તેની સર્જરી કરાઈ પણ તે સફળ નહોતી નિવડી.



અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર નજીબુલ્લાહના નિધનની જાણકારી આપી હતી. ક્રિકેટમાં તારકઈએ પોતાની અંતિમ મેચ 8 સપ્ટેમ્બરના રોજ રમી હતી,  જેમાં તેણે 32 રન બનાવ્યા હતા. નજીબે અફઘાનિસ્તાન માટે 12 ટી20 ઈન્ટરનેશનલ અને એક વનડે મેચ રમી છે. નજીબે બાંગ્લાદેશમાં 2014ની ટી20 વર્લ્ડ કપમાં પોતાની ઈન્ટરનેશનલ કારકિર્દી શરૂ કરી હતી.


માર્ચ 2017માં આયરલેન્ડની સામે તેણે ટી20 સીરિઝમાં 90 રન બનાવ્યા હતા. જે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેનો સર્વાધિક સ્કોર હતો. તેણે સપ્ટેમ્બર 2019માં બાંગ્લાદેશની સામે પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તે  એકમાત્ર વન ડે 2017માં આયરલેન્ડની સામે રમ્યો હતો. તારકઈએ ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47.20ની સરેરાશથી 2030 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 10 હાફ સેન્ચુરી છે અને તેનો સર્વાધિક સ્કોર 200 રન છે.