Rohit Sharma Goodbye: ઓસ્ટ્રેલિયા સીરિઝ બાદ સંન્યાસ? રોહિત શર્માની અલવિદાની પોસ્ટે જગાડી ચર્ચા
Rohit Sharma Goodbye: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીના સમાપન પછી, રોહિત શર્માએ સિડનીને કહ્યું અલવિદા. તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI શ્રેણીના સમાપન પછી, રોહિત શર્માએ સિડનીને અલવિદા કહી દીધું. સિડનીમાં ભારતની 9 વિકેટની જીતમાં રોહિતે અણનમ 121 રનની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે વિરાટ કોહલી સાથે 168 રનની યાદગાર ભાગીદારી પણ શેર કરી હતી. તેણે હવે સોશિયલ મીડિયા પર એરપોર્ટ પરથી એક ફોટો શેર કર્યો છે, જ્યાં તેણે જણાવ્યું છે કે, તે ભારત પાછા ફરતા પહેલા છેલ્લી વખત સિડનીને વિદાય આપી રહ્યો છે.
One last time, signing off from Sydney 👊 pic.twitter.com/Tp4ILDfqJm
— Rohit Sharma (@ImRo45) October 26, 2025
તેના તાજેતરના ટ્વીટમાં, તેણે સિડની એરપોર્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં, તે બેગ લઈને ચાલતો જોવા મળે છે, પરંતુ તેના કેપ્શને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. તેણે લખ્યું, "એક અંતિમ વખત, સિડનીને અલવિદા."
ત્રીજી વનડેમાં રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન
ભારતે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું. રોહિત શર્માએ મેચવિનિંગ 121 રન બનાવી ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી . આ દરમિયાન, વિરાટ કોહલી 70 રન બનાવીને અણનમ રહ્યો હતો. સિડનીમાં ભારતે ત્રીજી વનડે જીતી હોવા છતાં, ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી. આ શુભમન ગિલનો વનડે કેપ્ટન તરીકેનો પહેલો વિજય પણ છે.
ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને સંપૂર્ણ 50 ઓવર રમવા દીધા ન હતા. પહેલા બેટિંગ કરતા, કાંગારૂ ટીમ ફક્ત 236 રન જ બનાવી શકી. ભારત માટે હર્ષિત રાણાએ સૌથી વધુ 4 વિકેટ લીધી, જે અત્યાર સુધીની વનડે મેચમાં હર્ષિતનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.
237 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરતા, ટીમ ઈન્ડિયાએ 69 રન પર શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધો. તે ફક્ત 24 રન બનાવીને આઉટ થયો હતો. ગિલનું બેટ આખી શ્રેણી દરમિયાન શાંત રહ્યું, ત્રણ ઇનિંગ્સમાં ફક્ત 43 રન બનાવ્યા. જોકે, વિરાટ કોહલી અને રોહિત શર્માએ મળીને ઇનિંગ્સને આગળ ધપાવી અને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી..




















