આ મેચ સાથે જ અજિંક્ય રહાણેએ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રહાણે કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ત્રણ મેચ જીતનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. આ પહેલા આ કારનામું મહેન્દ્ર સિંહ ધોનીએ કર્યું હતું.
રહાણેની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ 2016-17માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે જીત મેળવી હતી. ત્યાર બાદ વર્ષ 2018માં રહાણેના નેતૃત્વમાં ટીમે અફઘાનિસ્તાન વિરૂદ્ધ બેંગલુરુમાં ઇનિંગ અને 262 રને જીત મેળવી હતી. હવે મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા વિરદ્ધ 8 વિકેટે જીત નોંધાવવાની સાથે જ આ રેકોર્ડ રહાણેના નામ થયો છે.
મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતાં 195 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 326 રન બનાવી 131 રનની લીડ હાંસલ કરી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 103.1 ઓવર રમીને 1.94 રનરેટથી 200 રન બનાવ્યા અને ભારતને 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યારસુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમે 4 ટેસ્ટની શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને જીત માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેલબર્નમાં રમાઈ રહેલી આ બોક્સિંગ-ડે ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 6 વિકેટ પર 133 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી ટીમ છેલ્લી 4 વિકેટ ગુમાવીને 67 રન જ બનાવી શકી હતી. ભારત સામે જીત માટે 70 રનનો ટાર્ગેટ હતો જે ભારતે 2 વિકેટ ગુમાવીને 15.5 ઓવરમાં મેળવી લીધો હતો.