Anand Mahindra: મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા સરફરાઝ ખાનના પિતા નૌશાદની પ્રેરણાદાયી ભૂમિકાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. છેલ્લા 15 વર્ષથી નૌશાદજીએ સરફરાઝની ક્રિકેટ કારકિર્દી સુધારવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. આ મહેનતનું પરિણામ છે કે સરફરાઝનું 26 વર્ષની ઉંમરે ભારતીય ટેસ્ટ ટીમમાં રમવાનું સપનું પૂરું થયું. પિતા અને પુત્રના સમર્પણથી આનંદ મહિન્દ્રા અભિભૂત થયા છે અને તેમને થાર ભેટ આપશે.
સોશિયલ મીડિયા પર BCCIનો એક વીડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, 'સખત મહેનત, હિંમત અને ધૈર્ય કરતાં વધુ સારા ગુણો એક પિતા પોતાના બાળકમાં ક્યા ભરી શકે? પ્રેરણાદાયી પિતા તરીકે નૌશાદ ખાનને થાર ભેટ આપવી એ મારા માટે સન્માનની વાત છે.
તમને જણાવી દઈએ કે જ્યારે સરફરાઝ ખાનને ટેસ્ટ કેપ મળી ત્યારે તે માત્ર તેના માટે જ નહીં પરંતુ તેની પત્ની, ભાઈ, પરિવાર અને ખાસ કરીને તેના પિતા માટે પણ મોટી ક્ષણ હતી. પોતાના પુત્રને ભારતીય ક્રિકેટર બનતા જોઈને નૌશાદજી ખુશીના આંસુ રોકી શક્યા ન હતા. રણજી ટ્રોફીમાં વર્ષોની મહેનત, ધીરજ અને રાહ આખરે ફળી. પિતા-પુત્રની જોડી વર્ષોથી આ ક્ષણનું સપનું જોઈ રહી હતી, જેને સરફરાઝે ડેબ્યૂમાં જ શાનદાર અડધી સદી ફટકારીને વધુ મધુર બનાવી દીધી હતી.
ટીમ ઇન્ડિયાની કેપ જોઇને રડી પડ્યા સરફરાઝ ખાનના પિતા
ટીમ ઈન્ડિયાએ રાજકોટ ટેસ્ટ માટે સરફરાઝ અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા હતા. આ બંને ખેલાડીઓએ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું. સરફરાઝની કારકિર્દીની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ બંને ખેલાડીઓને મેચ પહેલા ટીમ ઈન્ડિયાની કેપ આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સરફરાઝ ટેસ્ટ કેપ લઈને પિતા પાસે પહોંચ્યો હતો. આ જોઈને તેના પિતા ભાવુક થઈ ગયા અને આંસુ રોકી શક્યા નહીં. તેમણે સરફરાઝને ગળે લગાવ્યો હતો.