મુંબઈઃ ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સીરિઝમાં કારમી હાર આપીને ભારતીય ક્રિકેટ ટીમે ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા છે. ભારતીય ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટરો પર ક્રિકેટ ચાહતો ફિદા ફિદા છે. આ ક્રિકેટ ચાહકોમાં બિઝનેસમેન અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનો પણ સમાવેશ થાય છે.


આનંદ મહિન્દ્રાએ ભારતીય ક્રિકેટ ટીમના છ યુવા ક્રિકેટરોને મહિન્દ્રા થાર એસયુવી ભેટમાં આપવાની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ઉપરાંત શુભમન ગિલ, એન. નટરાજન, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર અને શાર્દૂલ ઠાકુરને મહિન્દ્રા થાર એસયુવી ભેટમાં આપવાની જાહેરાત આનંદ મહિન્દ્રાએ ઉપરાછાપરી ટ્વિટ કરીને કરી છે. મહિન્દ્રા થાર એસયુવીના ટોપના મોડલની કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ છે.

મહિન્દ્રાએ ટ્વિટ કરી છે કે, તાજેતરની ઐતિહાસિક ભારત વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયા સીરિઝમાં છ યુવા ક્રિકેટરોએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ છ ખેલાડીઓએ ભારતના યુવાનોની આગામી પેઢીને સપનાં જોવાની અને અશક્યને શક્ય કરવાની પ્રેરણા આપી છે. આ યુવા ક્રિકેટરોની કથા સાચા અર્થમાં ઉદયની કથા છે. શ્રેષ્ઠતા પામવા માટે તેમણે પ્રતિકૂળતાઓ પર વિજય મેળવ્યો છે. આ તમામ ખેલાડીઓને હું મહિન્દ્રા થાર એસયુવી કાર ભેટમાં આપવાની જાહેરાત કરું છું.