નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ નિધન થઇ ગયુ છે. જાણકારી અનુસાર, પૂર્વ ક્રિકેટરનુ કાર અકસ્માતમાં મોત થયુ છે. શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર એક્સિડેન્ટ થતાં પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ મૃત્યુ થઇ ગયુ છે. સાયમન્ડ્સને બચાવવાના કોશિશ કરવામાં આવી પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતા.
ક્વીન્સલેન્ડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એન્ડ્ર્યૂ સાયમન્ડ્સની કારનો અકસ્માત શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે થયો હતો. એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ પોતે કાર ચલાવી રહ્યા હતા. અચાનક તેની કાર પલટી ગઇ હતી. ફોરેન્સિક ક્રેશ યુનિટ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે.
46 વર્ષીય ક્રિકેટર સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા તરફથી 26 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 40.6ની એવરેજથી 1462 રન બનાવ્યા છે. સાયમન્ડસે 198 વનડેમાં 39.8ની એવરેજથી 5088 રન બનાવ્યા છે, આ ઉપરાંત 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં 48.1ની એવરેજથી 337 રન બનાવ્યા છે. સાયમન્ડ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ પોતાનો દમ બતાવ્યો છે, તેને 39 આઇપીએલ મેચો રમી છે, જેમાં 36.1ની એવરેજથી 974 રન બનાવ્યા છે. એન્ડ્ર્યૂ સાયમન્ડ્સના નિધન પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ટ્વિટ કરી લખ્યું હતું કે આ ખરેખર દુઃખદાયક છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરે ટ્વીટ કર્યું કે મેદાનમાં અને તેની બહાર પણ અમારા સારા સંબંધો હતા.
મંકીગેટ વિવાદ
2008માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે દાવો કર્યો હતો કે ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે તેને મંકી કહ્યો હતો. આ મામલાની સુનાવણી બાદ ભારતીય ઓફ સ્પિનરને ક્લીનચીટ આપવામાં આવી હતી. આ કેસને 'મંકીગેટ' કહેવામાં આવે છે.
સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા તરફથી મે 2009માં તેની છેલ્લી મેચ રમી હતી. એક મહિના પછી તેને દારૂ પીવા સંબંધિત અને અન્ય મુદ્દાઓ પર અનેક નિયમો તોડવા બદલ ટી-20 વર્લ્ડકપની ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેનો કોન્ટ્રાક્ટ ખત્મ કરી દીધો હતો.