ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટમાં પ્રથમ દિવસે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે શાનદાર સદી ફટકારી હતી. શુક્રવારે (1 જુલાઈ) પંતે મેચના પહેલા દિવસે 89 બોલમાં સદી પૂરી કરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. પંતની સદી બાદ ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ ઘણા ખુશ દેખાતા હતા. તેમણે એવી રીતે ઉજવણી કરી કે ક્રિકેટ ચાહકો જોઇને ખુશ થઇ ગયા હતા.






સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્ધારા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે પંતે જેવી સદી પુરી કરી ત્યારે ડ્રેસિંગ રૂમમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન કોચ રાહુલે પણ ખુરશી પરથી ઉભા થઇને તાળી પાડી પંતની સદીની ઉજવણી કરી હતી. 98 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં ફસાયેલી ટીમ ઈન્ડિયાને મોટી ઈનિંગની જરૂર હતી. પંત તેના કેપ્ટન જસપ્રિત બુમરાહ અને કોચ રાહુલ દ્રવિડના ભરોસામાં ખરો ઉતર્યો હતો અને તેણે  પોતાની કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી.


કોચ બન્યા બાદ દ્રવિડમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. એક ખેલાડી તરીકે તેણે હંમેશા પોતાની લાગણીઓને કાબૂમાં રાખી હતી. હવે કોચ તરીકે તે આવું નથી કરતો. દ્રવિડ ટીમ સાથે દરેક પ્રસંગની ઉજવણી કરતો જોવા મળે છે.


એન્ડરસન-પોટ્સનું શાનદાર પ્રદર્શન


ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમનો નિર્ણય સાચો સાબિત થયો. ઇંગ્લિશ બોલરોએ તબાહી મચાવી હતી. જેમ્સ એન્ડરસને પહેલા શુભમન ગિલ (17 રન) અને પછી ચેતેશ્વર પુજારા (13)ને આઉટ કરીને ટીમ ઈન્ડિયાના બંને ઓપનરને પેવેલિયન મોકલી દીધા હતા.


એન્ડરસન પછી પોટ્સે પણ હનુમા વિહારીને (20) એલબીડબલ્યુ આઉટ કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. હનુમા પછી પોટ્સે વિરાટનો શિકાર કર્યો. તેના પછી શ્રેયસ અય્યર 15 રન બનાવીને એન્ડરસનનો શિકાર બન્યો હતો. સેમ બિલિંગ્સે તેનો કેચ પકડ્યો હતો.