Anushka Sharma on Virat Kohli Test Retirement: ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યાના કલાકો પછી તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ સોમવારે કહ્યું કે દરેક શ્રેણી બાદ  વિકસિત થતા જોવું અને "થોડા વધુ સમજદાર અને વિનમ્ર" બની પરત આવવું સૌભાગ્યની વાત છે. 36 વર્ષીય વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેનાથી રમતના સૌથી લાંબા ફોર્મેટમાં તેના ભવિષ્ય અંગે અઠવાડિયાથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો. તેણે ભારત માટે 123 ટેસ્ટ મેચ રમી, જેમાં 46.85 ની સરેરાશથી 30 સદી સાથે 9230 રન બનાવ્યા.

અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પતિ  કોહલીની પ્રશંસા કરતી એક ભાવુક પોસ્ટ શેર કરી

"તેઓ રેકોર્ડ્સ અને સીમાચિહ્નો વિશે વાત કરશે, પરંતુ હું એ આંસુને યાદ રાખીશ જે તમે ક્યારેય નથી બતાવ્યા, એ સંઘર્ષ જે કોઈએ નથી  જોયો અને અને રમતના આ ફોર્મેટને આપેલા અતૂટ પ્રેમને." "મને ખબર છે કે આ બધું તમારી પાસેથી કેટલું બધું છીનવી ગયું છે." દરેક ટેસ્ટ શ્રેણી પછી, તમે થોડા સમજદાર અને થોડા નમ્ર બનીને પાછા આવો છો અને તમને આ બધામાંથી આગળ વધતા જોવું એ મારા માટે એક સૌભાગ્યની વાત રહી છે. ” તેણે કોહલી સાથેના પોતાના ફોટાને કેપ્શન આપ્યું છે.  

વિરાટ હવે ફક્ત વનડેમાં જ રમશે

હવે વિરાટ ફક્ત વનડેમાં જ રમતો જોવા મળશે. ગયા વર્ષે ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

વિરાટ કોહલીએ જૂન 2011માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કોહલીએ પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન ફટકાર્યા હતા. તેમની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા.

કિંગ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 46.85 ની સરેરાશથી 9230 રન ફટકાર્યા હતા. કોહલીએ ટેસ્ટમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.

કોહલી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન રહ્યો

કોહલીએ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ પણ કર્યું છે. ધોનીની નિવૃત્તિ પછી 2014માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર તે પહેલી વાર કેપ્ટન બન્યો હતો. ત્યારથી 2022માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ સુધી તે ટેસ્ટમાં કેપ્ટન રહ્યો. 2021માં તેમની પાસેથી ટી-20 અને વન-ડે કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. કોહલીએ 20 જૂન 2011 ના રોજ સબીના પાર્ક ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે આ વર્ષે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી.