ICC Men's T20I Cricketer 2025: ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ICC મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. T20 ફોર્મેટમાં અર્શદીપ સિંહનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવામાં અર્શદીપ સિંહનું મહત્વનું યોગદાન રહ્યું હતું.
ગયા વર્ષે અર્શદીપ સિંહે T20 ફોર્મેટમાં અસાધારણ બોલિંગ કરી હતી. આ ફાસ્ટ બોલરે 18 T20 મેચમાં વિરોધી ટીમના 36 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. એટલું જ નહીં, ગયા વર્ષે તે સૌથી વધુ T20 વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં ટોચ પર હતો. ખાસ કરીને T20 વર્લ્ડ કપ 2024માં અર્શદીપ સિંહે પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. ભારતીય ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું, જેમાં અર્શદીપ સિંહનો મહત્વનો ફાળો હતો.
ગત વર્ષે ઈન્ટરનેશનલ T20 ફોર્મેટમાં અર્શદીપ સિંહ કરતા માત્ર 4 બોલરોએ વધુ વિકેટ લીધી હતી. આ બોલરોમાં સાઉદી અરેબિયાના ઉસ્માન નજીબ, શ્રીલંકાના વેનેન્દુ હસરાંગા, અમેરિકાના જુનૈદ સિદ્દીકી અને હોંગકોંગના એહસાન ખાનનો સમાવેશ થાય છે. આ ચાર બોલરોએ આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં અનુક્રમે 38, 38, 40 અને 46 વિકેટ લીધી હતી. આ પછી ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 36 વિકેટ પોતાના નામે કરી હતી.
આંકડા દર્શાવે છે કે અર્શદીપ સિંહે 61 T20 મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં આ ફાસ્ટ બોલરે 17.91ની એવરેજ, 13.03ની સ્ટ્રાઈક રેટ અને 8.25ની ઈકોનોમી સાથે 97 બેટ્સમેનોને આઉટ કર્યા છે. આ ફોર્મેટમાં અર્શદીપ સિંહની શ્રેષ્ઠ બોલિંગ ફિગર 9 રનમાં 4 વિકેટ છે. આ પ્રદર્શનના આધારે જ તેને ICC મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. નવેમ્બર 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર અર્શદીપે માત્ર બે વર્ષમાં T20I ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
અર્શદીપે ટીમ ઈન્ડિયા માટે T20માં અત્યાર સુધીમાં કુલ 97 વિકેટ ઝડપી છે. તેની સરખામણીમાં કોઈપણ ભારતીય બોલર આટલી વિકેટ લઈ શક્યો નથી. અગાઉ આ રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે હતો, જેણે T20માં ટીમ ઈન્ડિયા માટે 96 વિકેટ લીધી હતી. પરંતુ અર્શદીપે ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ચહલને પાછળ છોડી દીધો હતો અને આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.
આ પણ વાંચો....