Ravichandran Ashwin Retirement: ભારતીય ટીમના અનુભવી ખેલાડી રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અશ્વિને આ જાહેરાત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ધ ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ બાદ કરી હતી. અશ્વિન સાથે પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો. પરંતુ ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી છે જેને અશ્વિનની નિવૃત્તિ વિશે પહેલાથી જ ખબર હતી. તે છે વિરાટ કોહલી. જો કે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી મળી શકી નથી.
વાસ્તવમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના અંતિમ દિવસે કોહલીએ ડ્રેસિંગ રૂમમાં અશ્વિનને ગળે લગાવ્યો હતો. તેનો વીડિયો અને ફોટો બંને વાયરલ થઈ રહ્યા છે. કોહલી અને અશ્વિન વચ્ચે થોડી વાતચીત થઈ અને તે પછી તેણે અશ્વિનને ગળે લગાવ્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કોહલીને આ પહેલાથી જ ખબર હતી. પરંતુ આ અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
અશ્વિને ટીમ ઈન્ડિયા માટે ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે.
ભારતના મુશ્કેલ સમયમાં અશ્વિન ઘણી વખત તારણહાર બન્યો છે. તેણે ટેસ્ટ મેચોમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી હતી. અશ્વિને ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સહિત ઘણી ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે બેટિંગની સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. પરંતુ હવે અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે. ફેન્સે સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણી ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.
અશ્વિન-કોહલી વચ્ચે ગાઢ મિત્રતા
વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન લાંબા સમય સુધી સાથે રમતા હતા. આ બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા રહી છે. આથી નિવૃત્તિના અવસર પર અશ્વિનની સાથે કોહલી પણ ભાવુક થઈ ગયો હતો. તેણે અશ્વિન વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે.