Asia Cup 2022: એશિયન ક્રિકેટ કાઉન્સિલે શનિવારે એશિયા કપ 2022ની તારીખોનુ એલાન કરી દીધુ છે. આગામી એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બરની વચ્ચે શ્રીલંકામાં રમાશે. આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. આની ક્વૉલિફાયર મેચો 20 ઓગસ્ટ 2022 થી શરૂ થશે.
2018માં ભારત બન્યું હતું વિજેતા
એસીસીએ જોકે હજુ સુધી આના શિડ્યૂલની જાહેરાત નથી કરી. 2016 બાદ પહેલીવાર આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. 2018માં છેલ્લીવાર એશિયા કપનુ આયોજન થયુ હતુ. તે દરમિયાન 50 ઓવરના ફોર્મેટમાં રમાયેલી આ ટૂર્નામેન્ટ ભારતે જીતી હતી. 7 વાર એશિયા કપનો ખિતાબ જીતી ચૂકેલી ટીમ ઇન્ડિયાની નજર આ વખતે 8માં ખિતાબ જીતીને જીતની હેટ્રિક પર રહેશે. ભારત વર્ષ 2016 અને 2018 માં સળંગ બે વખત ચેમ્પીયન બની ચૂક્યુ છે.
એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન દર બે વર્ષે થાય છે, પરંતુ 2020ની એડિશનને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ કૉવિડ-19ના કારણે રદ્દ કરી દીધી હતી. આ કારણે સમિતિએ ટૂર્નામેન્ટને આ વર્ષે આયોજિત કરવાનો નિર્ણય કર્યો.
વર્ષ 1984માં શરૂ થયેલો એશિયા કપ પહેલા વન ડે ટુર્નામેંટ જ હતો પરંતુ 2016માં તે પ્રથમ વખત ટી20 ફોર્મેટમાં રમાયો હતો. ચાલુ વર્ષે રમાનારો એશિયા કપ ટી20 ફોર્મેટમાં બીજી વખત રમાશે. અત્યાર સુધીમાં કુલ 14 વખત એશિયા કપનું આયોજન થયું છે. ભારત સાત વખત વિજેતા બન્યું છે. શ્રીંલકાએ પાંચ વખત અને પાકિસ્તાને બે વખત ટાઈટલ જીત્યું છે. બાંગ્લાદેશ એકપણ વખત એશિયા કપ જીતી શક્યું નથી. તે ત્રણ વખત રનર અપ રહ્યું છે.
આટલી ટીમો લેશે હિસ્સો
એશિયા કપ 2022માં છ ટીમો હિસ્સો લેશે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનની સાથે એક ક્વોલિફાયર ટીમ હશે. ક્વોલિફાયર મુકાબલા યુએઈ, કુવૈતા, સિંગાપોર અને હોંગકોંગ વચ્ચે રમાશે. 20 ઓગસ્ટ 2022થી આ મુકાબલા રમાશે.