Asia Cup 2023 India vs Pakistan: ભારતીય ટીમ એશિયા કપમાં હિસ્સો લેવા હાલ કોલંબામાં છે. આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની ત્રીજી સુપર ફોર મેચ રમાશે. આ પહેલા વિરાટ કોહલીએ શ્રીલંકાના યુવા ખેલાડીઓને ટિપ્સ આપી, કોહલીનો આ વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો છે. જે ફેંસને ઘણો પસંદ આવ રહ્યો છે. કોહલી પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓને મળ્યો, આ દરમિયાન એક ખેલાડીએ કોહલીને ચાંદીનું બેટ ગિફ્ટ કર્યું.
બીસીસીઆઈએ સોશિયલ મીડિયા એક્સ પર વીડિયો શેર કર્યો છે. જેમાં કોહલી શ્રીલંકાના યુવા ખેલાડીઓને ટિપ્સ આપતો નજરે પડી રહ્યો છે. એક શ્રીલંકન ખેલાડીએ વીડિયોમાં કોહલીની પ્રશંસા કરી. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો લાઈક કરી ચુક્યા છે. રસપ્રદ વાત એ છે કે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં શ્રીલંકન ખેલાડી કોહલીને સિલ્વર બેટ ગિફ્ટ કરતો જોવા મળી રહ્યો છે.
કોહલીએ પાકિસ્તાન સામેની મેચ પહેલા ઘણી પ્રેક્ટિસ કરી હતી. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ હવે તે સુપર ફોરની મેચમાં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કોહલી ત્રીજા નંબરે બેટિંગ કરશે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે. ભારતને સારી શરૂઆત અપાવવા માટે આ બંનેની જરૂર પડશે. પાકિસ્તાન પાસે મજબૂત બોલિંગ આક્રમણ છે, જે ભારત માટે મુશ્કેલી બની શકે છે. પાકિસ્તાન બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે મેચ રમશે. તેણે સુપર ફોરમાં કુલ ત્રણ મેચ રમવાની છે. એશિયા કપ 2023ની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.
પાકિસ્તાના સામે પ્લેઈંગ ઈલેવનમાં થશે બદલાવ
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. બુમરાહ અંગત કારણોસર શ્રીલંકાથી ભારત પરત ફર્યો હતો. આ કારણે તે નેપાળ સામેની મેચમાં રમ્યો નહોતો. પરંતુ હવે તે પાછો આવી શકે છે. ભારત અક્ષર પટેલને પણ તક આપી શકે છે.
બુમરાહની પત્ની સંજના ગણેશને હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. જેના કારણે બુમરાહ ભારત પરત ફર્યો હતો. તે ભારત-નેપાળ મેચમાં રમી શક્યો નહોતો. બુમરાહ ટીમ ઈન્ડિયાનો મહત્વનો બોલર છે. તે એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની પ્રથમ મેચમાં રમ્યો હતો. પરંતુ વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી. બુમરાહની વાપસી સાથે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં વધુ ફેરફાર થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. અક્ષર સારી બોલિંગની સાથે બેટિંગ પણ કરે છે. જો અક્ષરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે તો શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવી શકે છે. બુમરાહ અને મોહમ્મદ સિરાજ પાકિસ્તાન સામે ભારતના બોલિંગ આક્રમણનો મહત્વનો ભાગ બની શકે છે. હાર્દિક પંડ્યા ફાસ્ટ બોલિંગ પણ કરે છે. તે ઓલરાઉન્ડર છે. તેથી ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફાસ્ટ બોલર અને બે સ્પિન બોલર હોઈ શકે છે. ભારતનો પ્રથમ સ્પિનર કુલદીપ યાદવ હશે. આ સાથે જ બીજો સ્પિનર અક્ષર પટેલ બની શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો રિઝર્વ ડે પર રમાશે. રસપ્રદ વાત એ છે કે સુપર ફોરમાં કોઈપણ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.