IND vs PAK anthem mistake: એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ શરૂ થતા પહેલા એક વિચિત્ર ઘટના બની. સામાન્ય રીતે મેચની શરૂઆત પહેલા બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે, પરંતુ આ વખતે પાકિસ્તાનના રાષ્ટ્રગીતને બદલે એક અન્ય ગીત વાગવાનું શરૂ થયું. આ ગીત લગભગ 4 સેકન્ડ સુધી વાગ્યા બાદ ભૂલ ધ્યાનમાં આવી અને તરત જ તેને સુધારીને પાકિસ્તાનનું સાચું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. આ ગફલત બાદ મેચનું વાતાવરણ એક ક્ષણ માટે ગૂંચવાયું હતું.

મેચ પહેલા સર્જાયેલી મૂંઝવણ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા ભાવનાઓથી ભરપૂર હોય છે. મેચ શરૂ થતા પહેલા રાષ્ટ્રગીત વગાડવાની પ્રથાનું પાલન કરવામાં આવ્યું, જેમાં પહેલા પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડવાનું હતું. પરંતુ, અચાનક રાષ્ટ્રગીતને બદલે એક અલગ જ આઇટમ સોંગ વાગવાનું શરૂ થયું. આ ભૂલને કારણે સ્ટેડિયમમાં મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હતી. લગભગ 4 સેકન્ડ પછી તરત જ ટેક્નિકલ ટીમને આ ગફલતનો ખ્યાલ આવ્યો અને તેને સુધારી લેવામાં આવી, જેના પછી પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડીને મેચની શરૂઆત થઈ.

આ શરમજનક ઘટના છતાં, મેચનો ઉત્સાહ ઓછો થયો નહોતો. ટોસ જીતીને પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન અલી આગાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રસપ્રદ વાત એ છે કે, બંને ટીમોએ પોતાની અગાઉની જીતને ધ્યાનમાં રાખીને પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.

બંને ટીમોનું શાનદાર ફોર્મ

એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન બંને શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. પોતાની પ્રથમ મેચમાં ભારતીય ટીમે યુએઈને 9 વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી. બીજી તરફ, પાકિસ્તાને પણ તેમની પ્રથમ મેચમાં ઓમાનને 93 રનથી હરાવીને પોતાની તાકાત બતાવી હતી.

ટીમની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ICC T20 રેન્કિંગમાં નંબર 1 પર છે અને એશિયા કપ 2025 નો ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ગણાય છે. ટીમમાં શુભમન ગિલ ઉપ-કેપ્ટન તરીકે છે. જ્યારે પાકિસ્તાની ટીમે પણ તાજેતરમાં ત્રિકોણીય શ્રેણીનો ખિતાબ જીતીને પોતાનું જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. આ મેચ બંને ટીમોના શાનદાર ફોર્મનો અરીસો બતાવશે.