AUS vs NAM T20 World Cup 2024 Highlights:  ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપમાં (T20 World Cup 2024) નામીબિયા (Namibia)ને 9 વિકેટે હરાવ્યું હતું. ખાસ વાત એ છે કે આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયા (Australia)એ સુપર 8માં ક્વોલિફાય કર્યું હતું. આ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' એડમ ઝમ્પાએ નામિબિયા સામે શાનદાર બોલિંગ કરી હતી.






ગ્રુપ બીની મેચમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં નામિબિયાની ટીમ માત્ર 72 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 5.4 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.






એન્ટિગાના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં નામીબિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેની ટીમની એક પછી એક વિકેટો પડતી રહી. કેપ્ટન ગેરાર્ડ એરાસમુસે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. બીજું સૌથી મોટું યોગદાન માઈકલ વાન લિંગેનનું હતું જેણે 10 રન બનાવ્યા હતા. 'પ્લેયર ઓફ ધ મેચ' એડમ ઝમ્પા રહ્યો હતો જેણે 4 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ લીધી હતી. એડમ ઝમ્પાએ આ મેચમાં ટી-20 ફોર્મેટમાં 100 વિકેટ પણ પૂરી કરી હતી. ઝમ્પા ઉપરાંત જોશ હેઝલવુડ અને માર્કસ સ્ટોઈનિસને બે-બે વિકેટ મળી હતી. જ્યારે પેટ કમિન્સ અને નાથન ઇલિસને એક-એક સફળતા મળી હતી.


જવાબમાં રન ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે માત્ર 34 બોલમાં રન ચેઝ પૂર્ણ કરી લીધો હતો. ડેવિડ વોર્નર (20) એકમાત્ર બેટ્સમેન આઉટ થયો હતો. જ્યારે ટ્રેવિસ હેડ (34) અને મિશેલ માર્શ (18) બંને નોટઆઉટ પરત ફર્યા હતા. દક્ષિણ આફ્રિકા બાદ ઓસ્ટ્રેલિયા સુપર 8 રાઉન્ડમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. આજે (12 જૂન) જો ભારતીય ટીમ અમેરિકાને હરાવશે તો તે સુપર 8 રાઉન્ડમાં પણ પહોંચી જશે.