નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાપસીને લઇને હજુ પણ અટકળો છે કે, વાપસી થશે કે નહીં?. ધોની છેલ્લીવાર વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે રમતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તે ટીમ ઇન્ડિયાથી અલગ થઇ ગયો છે. જોકે હજુ સુધી સન્યાસની જાહેરાત નથી કરી. હવે કડીમાં ટીમ ઇન્ડિયાના બેટિંગ કૉચ વિક્રમ રાઠૌરે મહત્વનુ મોટુ નિવેદન આપી દીધુ છે.

રાઠૌરનુ કહેવુ છે કે ધોનીમાં હજુ ઘણો દમ બાકી છે, અને તેને કોઇપણ ખેલાડી રિપ્લેસ નથી કરી શકતો.

વિક્રમ રાઠૌરે ફેસબુક લાઇવ દરમિયાન કહ્યું કે ધોનીને આજે પણ રિપ્લેસ નથી કરી શકાતો. તેને કહ્યું પંત ખુબ ટેલેન્ટેડ છે. ટીમ મેનેજમેન્ટ પંતની સાથે છે નહીં તો પંત ટીમમાં ટકી પણ ના શકે. પણ ધોનીએ જે કર્યુ છે તે હાંસલ કરવુ આસાન વાત નથી. ધોનીને કોઇ રિપ્લેસ નથી કરી શકતુ. પંત આગળ મેચ વિજેતા બની શકે છે. પંતનુ ગયુ વર્ષ સારુ ન હતુ રહ્યું. જોકે, ટીમ કેપ્ટન અને કૉચ સપોર્ટ કરી રહ્યાં છે



નોંધનીય છે કે ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપ બાદ ધોની ક્રિકેટથી દુર થઇ ગયો છે. બીસીસીઆઇએ પણ સ્પષ્ટતા કરી દીધી છેકે, ધોનીની જગ્યાએ હવે પંતને મોકો આપવામાં આવશે. આ બધાની વચ્ચે હવે રાઠૌરના નિવેદનથી ફરી ધોનીની વાપસી પર ચર્ચા શરૂ થઇ ગઇ છે.

હાલની પરિસ્થિતિમાં જોઇએ તો પંત માટે કપરાં દિવસો ચાલી રહ્યાં છે. કેમકે ટેસ્ટમાં પંતની જગ્યા સાહાએ લઇ લીધી છે. જ્યારે વનડે-ટી20માં કેપ્ટન કોહલીએ પંતની જગ્યાને કેએલ રાહુલને સોંપી છે.