BCCI Asian Games probables 2026: ટીમ ઇન્ડિયાના ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 2026 એશિયન ગેમ્સ માટે BCCI એ 30 સંભવિત ખેલાડીઓની યાદી તૈયાર કરીને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને મોકલી આપી છે. આ લિસ્ટમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે, જેમાં શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ જેવા દિગ્ગજોને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ, યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનું ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ લગભગ નક્કી થઈ ગયું છે. ખાસ વાત એ છે કે, એશિયન ગેમ્સ અને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ એક જ સમયે હોવાથી BCCI બે અલગ-અલગ T20 ટીમો મેદાનમાં ઉતારશે.
બે સિરીઝ, બે અલગ-અલગ ટીમો
આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં ભારતીય ટીમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. એક તરફ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન જાપાનમાં એશિયન ગેમ્સ રમાવાની છે, તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની ટીમ 27 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ભારતનો પ્રવાસ ખેડવાની છે. આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે 3 વનડે અને 5 T20 મેચની સિરીઝ રમાશે. આ તારીખો એકબીજા સાથે ટકરાતી હોવાથી, BCCI પહેલેથી જ બે અલગ-અલગ T20 ટીમની પસંદગી કરશે. એક ટીમ જાપાન જશે અને બીજી ટીમ ભારતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે.
સૂર્યા વર્લ્ડ કપના પ્લાનિંગમાંથી પણ બહાર?
સમાચાર એજન્સી PTI ના અહેવાલ મુજબ, સૂર્યકુમાર યાદવ એશિયન ગેમ્સમાં તો નહીં જ રમે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે BCCI એ તેને આગામી 2028 ના T20 વર્લ્ડ કપના પ્લાનિંગમાંથી પણ બાકાત કરી દીધો છે. જ્યારે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને 30 ખેલાડીઓના આ સંભવિત લિસ્ટમાં સામેલ કરાયો છે, જેથી ટીમ ઇન્ડિયામાં તેની એન્ટ્રી જલ્દી જ જોવા મળી શકે છે. આ ઉપરાંત, ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો હર્ષિત રાણા એશિયન ગેમ્સ સુધીમાં એકદમ ફિટ થઈ જશે તેવી પૂરી અપેક્ષા હોવાથી તેને પણ આ લિસ્ટમાં જગ્યા આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
કોણ બનશે કેપ્ટન?
સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલની ગેરહાજરીમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે એશિયન ગેમ્સમાં ટીમ ઇન્ડિયાની કમાન કોણ સંભાળશે? હાલમાં કેપ્ટનસીની રેસમાં મુખ્યત્વે ત્રણ નામો સૌથી આગળ ચાલી રહ્યા છે: શ્રેયસ અય્યર, તિલક વર્મા અને સંજુ સેમસન. એવી શક્યતા છે કે મેનેજમેન્ટ આ ત્રણેયમાંથી કોઈ એક ખેલાડી પર કળશ ઢોળી શકે છે.
30 સંભવિત ખેલાડીઓનું લિસ્ટ
BCCI દ્વારા એશિયન ગેમ્સ અને આગામી T20 સિરીઝને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું 30 ખેલાડીઓનું સંભવિત લિસ્ટ આ મુજબ છે:
બેટ્સમેન અને વિકેટકીપર: યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ધ્રુવ જુરેલ.
ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, આયુષ બદોની, શાહબાઝ અહેમદ, અનુકુલ રોય, અક્ષર પટેલ.
બોલર: જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, વરુણ ચક્રવર્તી, હર્ષ દુબે, ખલીલ અહેમદ, રવિ બિશ્નોઈ, વિપરાજ નિગમ, હર્ષિત રાણા, યશ ઠાકુર.
આ પણ વાંચોઃ IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
