IPL 2026 (ઇન્ડિયન પ્રીમિયર લીગ) શરૂ થાય તે પહેલા જ દિલ્હી કેપિટલ્સની ટીમને અને ક્રિકેટ ચાહકોને એક બહુ મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના આક્રમક ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટે અચાનક જ આ વખતની IPL સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ નિર્ણય બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ મોટું એક્શન લેતા બેન ડકેટ પર IPL માં રમવા અને હરાજીમાં ભાગ લેવા પર 2 વર્ષનો કડક પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હીની ટીમે તાજેતરમાં જ મીની ઓક્શનમાં તેને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરવાનો હતો. જોકે, ડકેટે પોતાની નેશનલ ટીમ (ઈંગ્લેન્ડ) માટે રમવા અને આગામી સિઝન માટે શારીરિક તેમજ માનસિક રીતે એકદમ ફિટ રહેવાના હેતુથી આ મોટો નિર્ણય લીધો છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આખો મામલો શું છે અને હવે દિલ્હી કેપિટલ્સ પાસે ઓપનિંગ માટે કયા વિકલ્પો બચ્યા છે.
BCCI ના કડક નિયમોનો ભોગ બન્યો ડકેટ
દિલ્હી કેપિટલ્સે મીની ઓક્શનમાં બેન ડકેટને 2 કરોડ રૂપિયાની બોલી લગાવીને હસ્તગત કર્યો હતો, પરંતુ હવે તે IPL 2026 માં રમતો જોવા નહીં મળે. નોંધનીય છે કે, BCCI એ 2025 ના મેગા ઓક્શન પહેલા જ કેટલાક કડક નિયમો બનાવ્યા હતા. આ નવા નિયમ મુજબ, જો કોઈ વિદેશી ખેલાડી હરાજીમાં વેચાયા પછી કોઈ વ્યાજબી કારણ વગર સિઝન શરૂ થતા પહેલા પોતાનું નામ પાછું ખેંચી લે છે, તો તેના પર કાર્યવાહી થાય છે. ડકેટે પણ સિઝન પહેલા જ નામ પરત ખેંચી લેતા, તે આગામી 2 વર્ષ સુધી IPL માં રમી શકશે નહીં અથવા કોઈ હરાજીમાં પણ ભાગ લઈ શકશે નહીં.
ડકેટે ભાવુક થઈને શું કહ્યું? જાણો અસલી કારણ
ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા પછી બેન ડકેટે સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડીને પોતાની વાત રજૂ કરી હતી. તેણે લખ્યું કે, "મારે IPL માંથી ખસી જવાનો આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. મેં ઘણો વિચાર કરીને આ નિર્ણય લીધો છે અને મારા માટે આ જરાય સહેલું નહોતું."
તેણે વધુમાં જણાવ્યું કે ઇંગ્લેન્ડ માટે રમવું તેનું બાળપણનું સપનું રહ્યું છે. આગામી ઉનાળાની સિઝન શરૂ થાય તે પહેલાં તે માનસિક અને શારીરિક રીતે એકદમ સ્વસ્થ રહેવા માંગે છે, જેથી તે પોતાની નેશનલ ટીમ માટે પોતાનું 100 ટકા આપી શકે. તેણે આ અચાનક લીધેલા નિર્ણય માટે દિલ્હી કેપિટલ્સ અને તેના ચાહકોની માફી પણ માંગી હતી. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા રમાયેલી એશિઝ સિરીઝમાં ડકેટનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, જ્યાં તે 10 ઇનિંગ્સમાં 20.20 ની સાધારણ સરેરાશથી માત્ર 202 રન જ બનાવી શક્યો હતો.
દિલ્હી કેપિટલ્સ પાસે હવે કયા વિકલ્પો છે?
બેન ડકેટ ભલે ટીમમાંથી બહાર થઈ ગયો હોય, છતાં દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં ચિંતાનું કોઈ મોટું કારણ નથી, કારણ કે ટીમ પાસે ઓપનિંગ માટે હજુ પણ ઘણા શાનદાર વિકલ્પો ઉપલબ્ધ છે. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ હેમાંગ બદાણીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે કેએલ રાહુલ (KL Rahul) જ ઇનિંગની શરૂઆત કરશે. હવે ડકેટની ગેરહાજરીમાં રાહુલનો સાથ આપવા માટે ટીમ પાસે યુવા અભિષેક પોરેલ, આક્રમક પૃથ્વી શો અને શ્રીલંકાના પથુમ નિસાન્કા જેવા સારા ખેલાડીઓ હાજર છે.
