Indian Team Players Match Fee: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહિલા ખેલાડીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે હવે મહિલા ખેલાડીઓને પુરૂષ ખેલાડીઓની બરાબર મેચ ફી મળશે. જય શાહે મેચ ફી અંગે ટ્વિટ કર્યું છે. જેમાં તેણે મહિલા ખેલાડીઓની મેચ ફી વિશે વિગતવાર માહિતી આપી છે.
જય શાહે ટ્વીટમાં લખ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે BCCIએ ભેદભાવને દુર કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. અમે મહિલા ક્રિકેટરો માટે વેતન ઇક્વિટી પોલિસી લાગુ કરી રહ્યા છીએ. અમે ક્રિકેટમાં લિંગ સમાનતાના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે પુરુષ અને મહિલા ક્રિકેટર બંને માટે મેચ ફી સમાન હશે.”
તેમણે આગળ લખ્યું, “મહિલા ક્રિકેટરોને તેમના પુરૂષ સમકક્ષો જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, ODI માટે 6 લાખ રૂપિયા અને T20I માટે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. જય હિન્દ''
પુરુષોને કેટલી મેચ ફી મળે છે?
એક ટેસ્ટ મેચઃ રૂ. 15 લાખ
એક ODI મેચઃ રૂ. 6 લાખ
એક T20 મેચઃ રૂ. 3 લાખ
અત્યાર સુધી સરેરાશ મહિલાઓને આટલા પૈસા મળતા હતા
જો સરેરાશ સાથે સરખામણી કરવામાં આવે તો અત્યાર સુધી સિનિયર મહિલા ક્રિકેટરોને મેચ માટે દરરોજ 20 હજાર રૂપિયા મળતા હતા. તે લગભગ અંડર-19 પુરૂષ ક્રિકેટરની બરાબર હતી. જ્યારે વરિષ્ઠ પુરૂષ ખેલાડીઓ મેચ ફી તરીકે દરરોજ સરેરાશ 60 હજાર રૂપિયા કમાય છે. તેથી તે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે એક મોટો તફાવત હતો. પરંતુ હવે આ ભેદભાવ પણ દૂર થશે. 2022 પહેલા મહિલા ક્રિકેટરોને મેચ ફી તરીકે માત્ર 12,500 રૂપિયા આપવામાં આવતા હતા.