BCCI Fine Riyan Parag For Vape Case: આઈપીએલ 2026 માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી રહેલા રિયાન પરાગને સીઝનની 40મી મેચમાં ડ્રેસિંગ રૂમની અંદર વેપિંગ (ઈ-સિગારેટનો ઉપયોગ) કરતા જોવામાં આવ્યો હતો. આ મામલાએ ઘણો વેગ પકડ્યો હતો. ભારતમાં ઈ-સિગારેટ પ્રતિબંધિત છે, જેના કારણે લોકોએ અલગ-અલગ અટકળો લગાવી હતી કે આ મામલે રિયાનને જેલ પણ થઈ શકે છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ રાજસ્થાનના કેપ્ટન સામે એક્શન લેતા સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

 

આઈપીએલે એક રિલીઝ જાહેર કરીને જણાવ્યું કે આ મામલે રિયાન પરાગની 25 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે તેને આઈપીએલના ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટેની આચાર સંહિતાના લેવલ 1 ના ઉલ્લંઘન બદલ 1 ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. આનાથી એક વાત તો સાફ થઈ ગઈ છે કે રિયાનને આ મામલે જેલ અથવા મેચ પ્રતિબંધનો દંડ લાગ્યો નથી.

આઈપીએલની રિલીઝમાં લખવામાં આવ્યું છે કે, "રિયાનને આઈપીએલની આચાર સંહિતાની કલમ 2.21 નું ઉલ્લંઘન કરતા જોવા મળ્યો છે, જે 'રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા આચરણ' સાથે સંબંધિત છે. આ ઘટના બીજી ઇનિંગ દરમિયાન બની હતી જ્યારે રિયાનને ડ્રેસિંગ રૂમની અંદર વેપનો ઉપયોગ કરતા જોવામાં આવ્યો હતો." વધુમાં લખ્યું હતું કે, "રિયાને અપરાધ સ્વીકાર્યો છે અને મેચ રેફરી અમિત શર્મા દ્વારા લાદવામાં આવેલી સજાને માની લીધી છે."

આ પણ વાંચો.. Mumbai Indians: 8 મેચમાં છ હાર... તેમ છતાં મુંબઈ પ્લે ઓફમાં પહોંચી શકે છે, જાણો સમીકરણ

કાર્યવાહી માટે અન્ય વિકલ્પો પર BCCI નો વિચાર

રિલીઝમાં આગળ લખવામાં આવ્યું છે કે, "BCCI આઈપીએલની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે અપરાધી ટીમ, તેના અધિકારીઓ અને ખેલાડીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવા માટે અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે."

વાયરલ વીડિયોથી મચી હતી બબાલ

પંજાબ કિંગ્સ સામે મુલ્લાનપુરમાં રમાયેલી લીગ મેચમાં રિયાન પરાગને ડ્રેસિંગ રૂમમાં વેપ કરતા જોવામાં આવ્યો હતો. રિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેના પછી આ મામલે ચર્ચા તેજ બની હતી. હવે BCCI એ આ મામલાનો અંત લાવ્યો છે.