BCCI Grade A+ contracts: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ખેલાડીઓ માટેના વાર્ષિક કરારની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, અને આ વખતે કેટલાક મોટા ફેરફારોની શક્યતા જણાઈ રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ - રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા - ગ્રેડ A+ કોન્ટ્રાક્ટમાંથી બહાર થઈ શકે છે. આ સમાચાર ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

Continues below advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણ ખેલાડીઓને ગ્રેડ A+ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવાનું કારણ તેમનું T20 ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનું છે. એવું માનવામાં આવે છે કે BCCI હવે યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમને ટોચના કરારમાં સ્થાન આપવા માટે વિચારી રહી છે. જો કે, હજુ સુધી બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સામાન્ય રીતે BCCI દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થતાં પહેલાં વાર્ષિક કરારની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ વખતે બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી રાહ જોવાના મૂડમાં છે. માનવામાં આવે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાનમાં લીધા બાદ જ કરાર અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો આ ત્રણેય ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરે છે, તો તેઓ કદાચ તેમનો ટોચનો કરાર જાળવી રાખવામાં સફળ થઈ શકે છે.

Continues below advertisement

હાલમાં, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એકમાત્ર એવો ખેલાડી છે જે ગ્રેડ A+ કરાર ધરાવે છે અને એવા અહેવાલ છે કે તેની સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. બુમરાહ ભારતીય ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે અને ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

બીજી તરફ, બેટ્સમેન શ્રેયસ અય્યર માટે સારા સમાચાર છે. ગયા વર્ષે શિસ્તના મુદ્દાઓને કારણે તેને કેન્દ્રીય કરારમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે તેના પુનરાગમનની શક્યતાઓ વધી ગઈ છે. અય્યરે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેણે પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા છે. જેના કારણે તેને ફરીથી કરાર મળી શકે છે.

એક BCCIના સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્માના નિર્ણયની રાહ જોશે. જો રોહિત નિવૃત્તિ લેવાનો નિર્ણય કરે છે, તો બોર્ડ આગળની વ્યૂહરચના નક્કી કરશે. જો કે, સૂત્રએ એ વાત પર ભાર મૂક્યો કે રોહિતે T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેણે શાનદાર કેપ્ટનશિપ કરી હતી, તેથી તેના યોગદાનને અવગણી શકાય નહીં.

આ પણ વાંચો....

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં આ દિગ્ગજોને આપી મોટી જવાબદારી