ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ 2025 ની સીઝન માટે શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કરવા 'BCCI નમન એવોર્ડ્સ 2026' ની જાહેરાત કરી દીધી છે. શનિવારે જાહેર થયેલી આ યાદીમાં ભારતીય ટેસ્ટ અને ODI ટીમના કેપ્ટન શુભમન ગિલને વર્ષનો સૌથી મોટો એવોર્ડ (મેન્સ ક્રિકેટર ઓફ ધ યર) આપવાનો નિર્ણય લેવાયો છે. મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર મેદાન માર્યું છે. જોકે, ક્રિકેટ ચાહકો માટે થોડી આશ્ચર્યની વાત એ છે કે આ વખતે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજોને કોઈ એવોર્ડ મળ્યો નથી. આ ભવ્ય એવોર્ડ સમારોહ રવિવાર, 15 માર્ચના રોજ યોજાવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ ગિલ અને મંધાનાએ કઈ સિદ્ધિઓના આધારે આ એવોર્ડ પોતાના નામે કર્યા.
શુભમન ગિલને 'પોલી ઉમરીગર' એવોર્ડનું સન્માન
BCCI નમન એવોર્ડ્સની શરૂઆત 2006-07 માં થઈ હતી. આ એવોર્ડ્સમાં ગયા વર્ષ દરમિયાન સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવે છે. પુરુષોની કેટેગરીમાં અપાતા 'બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર' એવોર્ડને પોલી ઉમરીગર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે.
શુભમન ગિલ માટે આ બીજી તક હશે જ્યારે તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતશે. તેને આ એવોર્ડ તેના જબરદસ્ત ફોર્મને કારણે મળ્યો છે:
વર્ષ 2025 માં ગિલે 9 ટેસ્ટ મેચ રમીને કુલ 983 રન ફટકાર્યા હતા. તે ગયા વર્ષે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો.
ખાસ કરીને ઇંગ્લેન્ડ સામેની 5 મેચની સિરીઝમાં તેણે એકલા હાથે 754 રન બનાવીને તરખાટ મચાવ્યો હતો.
વનડે (ODI) માં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જ્યાં તેણે 11 મેચમાં 490 રન બનાવ્યા હતા.
સ્મૃતિ મંધાનાનો દબદબો કાયમ
મહિલા ક્રિકેટની વાત કરીએ તો, ભારતીય ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના સતત બીજા વર્ષે 'બેસ્ટ વિમેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર' નો એવોર્ડ મેળવવા જઈ રહી છે. આ તેનો ઓવરઓલ 5મો એવોર્ડ હશે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું કેટલું સાતત્યપૂર્ણ પ્રદર્શન રહ્યું છે.
એવોર્ડ મળ્યો, પણ T20 વર્લ્ડ કપ ચૂક્યો હતો ગિલ
એક તરફ ગિલને વર્ષનો સૌથી મોટો એવોર્ડ મળી રહ્યો છે, તો બીજી તરફ તેનો એક ખરાબ સમય પણ રહ્યો હતો. 2025 ની શરૂઆતથી જ T20 ફોર્મેટમાં ગિલ સતત મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ખરાબ ફોર્મના કારણે તેને 2026 ના T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર બેસવાનો વારો આવ્યો હતો અને તેણે આ મોટો ટૂર્નામેન્ટ ગુમાવવાની કિંમત ચૂકવવી પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગિલ વિના રમેલી ભારતીય ટીમે 2026 ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.
