BCCI New Chief Selector:  ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજીત અગરકરને ચીફ સિલેક્ટર બનાવવામાં આવી શકે છે. વાસ્તવમાં અજીત અગરકર મુખ્ય પસંદગીકાર પદની રેસમાં સૌથી આગળ છે. હાલમાં શિવ સુંદર દાસ બીસીસીઆઈના ચીફ સિલેક્ટરની જવાબદારી સંભાળી રહ્યા છે પરંતુ ટૂંક સમયમાં બીસીસીઆઈના નવા ચીફ સિલેક્ટરના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે નવા ચીફ સિલેક્ટર માટે વિરેન્દ્ર સહેવાગનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ ભૂતપૂર્વ ઓપનરે આ બાબતોને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.






BCCIના નવા ચીફ સિલેક્ટરની રેસમાં અજિત અગરકરનો દાવો સૌથી મજબૂત!


મીડિયા અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજીત અગરકર બીસીસીઆઇના નવા ચીફ સિલેક્ટરની રેસમાં સૌથી મજબૂત દાવો ધરાવે છે. આ રેસમાં તે આગળ છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ અજીત અગરકરનું મુખ્ય પસંદગીકાર બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. બીજી તરફ અજીત અગરકરના કરિયર પર નજર કરીએ તો આ ખેલાડીએ 26 ટેસ્ટ મેચ, 191 વનડે અને 4 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય તેણે IPLની 42 મેચ રમી છે.


અજીત અગરકરના નામે 26 ટેસ્ટ મેચોમાં 59 વિકેટ છે. જ્યારે આ ખેલાડીએ 191 વનડેમાં 288 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 4 ટી20 મેચમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અજીત અગરકરે IPLની 42 મેચોમાં 29 વિકેટ ઝડપી છે. બીજી તરફ ટેસ્ટ ફોર્મેટમાં અજીત અગરકરની બેટિંગની વાત કરીએ તો આ ખેલાડીએ 16.79ની એવરેજથી 571 રન બનાવ્યા હતા. જ્યારે 191 વનડેમાં તેણે 14.59ની એવરેજથી 1269 રન ઉમેર્યા હતા. અજીત અગરકર IPLમાં દિલ્હી કેપિટલ્સની કોચિંગ ટીમનો ભાગ રહી ચૂક્યો છે.


વિરેન્દ્ર સહેવાગે રિપોર્ટને ફગાવ્યા હતા.


હાલમાં ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં એક પદ ખાલી છે. આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગનું નામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઇ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, બીસીસીઆઇએ મુખ્ય પસંદગીકાર બનાવવા માટે સહેવાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે આ મામલે સહેવાગે મૌન તોડ્યું હતું.


ચેતન શર્માએ ફેબ્રુઆરી 2023માં મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ભારતીય ટીમની પસંદગી સમિતિમાં જગ્યા ખાલી છે. હવે BCCIએ આ પોસ્ટ ભરવા માટે અરજીઓ મંગાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન સહેવાગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં આ પદ માટે અરજી કરી હોવાનો ઇનકાર કરી દીધો હતો. સહેવાગે તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મુખ્ય પસંદગીકારના પદ માટે કોઈ ઓફર કરવામાં આવી હોવાના અહેવાલોને ફગાવી દીધા હતા.