BCCI Annual Contract List: બીસીસીઆઈએ મોટી કાર્યવાહી કરતા ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને સેન્ટ્રલ કોંન્ટ્રાક્ટની યાદીમાંથી હટાવી દીધા છે. સતત ચેતવણીઓ છતાં, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે રણજી ટ્રોફીની અવગણના કરી. હવે બંને ખેલાડીઓ BCCIની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી. BCCIએ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓની નવી યાદી બહાર પાડી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને A+ ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડીઓને BCCI દ્વારા વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. 6 ખેલાડીઓને A ગ્રેડમાં, 5 ખેલાડીઓને B ગ્રેડમાં જ્યારે 15 ખેલાડીઓને C ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરના વલણથી નારાજ છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બ્રેક લીધા બાદ કિશનને પુનરાગમન કરવા રણજી ટ્રોફી રમવાની સૂચના આપવામાં આવી રહી હતી. પરંતુ કિશને BCCIની અવગણના કરી અને ઝારખંડ તરફથી એક પણ રણજી મેચમાં ભાગ લીધો ન હતો. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે જે ખેલાડીઓ નેશનલ ડ્યૂટી પર નથી તેઓને રણજી ટ્રોફીમાં ભાગ લેવો પડશે.
અય્યર અને કિશનના ભવિષ્ય પર સંકટ
જોકે, શ્રેયસ અય્યર એક અલગ જ વિવાદમાં ફસાઈ ગયો. ખરાબ પ્રદર્શનના કારણે અય્યરને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. અય્યરે રણજી ટ્રોફી ન રમવા માટે ઈજાનું બહાનું બનાવ્યું હતું. પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીએ ઐયરના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો. NCA એ સ્પષ્ટ કર્યું છે કે ઐયર મેચ રમવ માટે ફિટ છે અને તેને રમવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ હવે ટીમ ઈન્ડિયામાં અય્યર અને કિશનનું ભવિષ્ય પણ જોખમમાં છે. રોહિત શર્માએ હાલમાં જ સ્પષ્ટ કર્યું છે કે ટીમ મેનેજમેન્ટ એવા ખેલાડીઓ પર પોતાનો સમય નહીં બગાડે જેઓને રમવાની ભૂખ નથી. આ બંને ખેલાડીઓ સામે કાર્યવાહી કરીને BCCIએ એવો સંદેશ પણ આપ્યો છે કે ડોમેસ્ટિક ક્રિકેટને કોઈપણ કિંમતે અવગણી શકાય નહીં.