BCCI Not Happy With Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં આગામી એશિયા કપની તૈયારીઓ માટે બેંગલુરુમાં 6 દિવસીય પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં તમામ મુખ્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ કન્ડીશનીંગ કેમ્પના પહેલા દિવસે 24 ઓગસ્ટે તમામ ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ પાસ કર્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સ્કોર પણ પોસ્ટ કર્યો હતો. હવે બીસીસીઆઈના અધિકારીઓએ આ માહિતીને લઈને નારાજગી વ્યક્ત કરી છે.


 






 


કિંગ કોહલીએ યો-યો ટેસ્ટ પાસ કરી અને ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી એક સ્ટોરી શેર કરી, જેમાં તે શર્ટલેસ અને જમીન પર બેઠો દેખાયો. આ તસવીર દ્વારા તેણે યો-યો ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કોહલીએ લખ્યું, "ખતરનાક શંકુની વચ્ચે યો-યો ટેસ્ટ પુરો કરીને ખુશ છું." આગળ, તેણે યો-યો સ્કોર 17.2 લખ્યો અને ડન લખ્યું. વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ પછી તરત જ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને તેમાં તેણે જણાવ્યું કે તેનો સ્કોર 17.2 હતો. આ પછી, સોશિયલ મીડિયા પર કોહલીની ફિટનેસ માટે ચાહકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. તો બીજી તરફ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વિરાટ કોહલીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને સોશિયલ મીડિયાના અન્ય હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલ યો-યો ટેસ્ટના સ્કોરથી બીસીસીઆઈના ટોચના અધિકારીઓ નારાજ થયા છે. કોહલીની આ પોસ્ટ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે ભારતીય ટીમના તમામ ખેલાડીઓને સલાહ આપી છે કે તેઓ તેમના યો-યો ટેસ્ટના સ્કોરને લઈને કોઈ પણ માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરે. રિપોર્ટ અનુસાર, આ સૂચના એશિયા કપ કેમ્પમાં હાજર તમામ ખેલાડીઓને આપવામાં આવી છે.


જાણો બીસીસીઆઈએ શું કહ્યું?


રિપોર્ટ અનુસાર, યો-યો ટેસ્ટના સ્કોર્સ સાર્વજનિક થયા બાદ, BCCIના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખેલાડીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ ગોપનીય માહિતી પોસ્ટ કરવાથી બચવું જોઈએ. તે પ્રેક્ટિસ કેમ્પ દરમિયાન લેવાયેલ ફોટો પોસ્ટ કરી શકે છે, પરંતુ યો-યો ટેસ્ટનો સ્કોર નહીં. આ કરારના નિયમોના ભંગ હેઠળ આવે છે.



યો યો ટેસ્ટ શું છે?


યો યો ટેસ્ટ ખેલાડીની ફિટનેસ અને સ્ટેમિના ચકાસવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટ સંપૂર્ણપણે ટેક્નોલોજીની મદદથી લેવામાં આવે છે. ભારતમાં, આ ટેસ્ટ નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોરમાં લેવામાં આવે છે કારણ કે આ સોફ્ટવેર ત્યાં ઇન્સ્ટોલ કરેલું છે.