Ben Duckett highest score: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં બેન ડકેટે તો બધા બેટ્સમેનોને પાછળ છોડી દીધા. ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરતા બેન ડકેટે ૧૬૫ રનની તોફાની સદી ફટકારી હતી, જે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં કોઇપણ બેટ્સમેન દ્વારા નોંધાયેલ સૌથી મોટી ઇનિંગ્સ છે. ડકેટની આ શાનદાર ઇનિંગ્સે ઇંગ્લેન્ડને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જે ઇંગ્લેન્ડ માટે ફાયદાકારક સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત ઓવરોમાં ૩૫૧ રનનો મોટો સ્કોર બનાવ્યો. ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટે ૧૬૫ રનની સદી ફટકારી હતી, જ્યારે અનુભવી બેટ્સમેન જો રૂટે ધીરજપૂર્ણ અડધી સદી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરો આ મેચમાં ઇંગ્લિશ બેટ્સમેનો સામે પ્રભાવહીન રહ્યા હતા.

બેન ડકેટ અને ફિલ સોલ્ટે ઇંગ્લેન્ડ માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી, પરંતુ સોલ્ટ માત્ર ૧૦ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથ પણ ખાસ કમાલ કરી શક્યો નહોતો. ઇંગ્લેન્ડે શરૂઆતમાં જ ૪૩ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે ટીમ પર દબાણ વધી ગયું હતું. પરંતુ બેન ડકેટ અને જો રૂટે બાજી સંભાળી હતી અને ઇંગ્લેન્ડની ઇનિંગ્સને આગળ ધપાવી હતી. શરૂઆતમાં બંને બેટ્સમેનોએ ક્રિઝ પર ટકી રહેવા પર ધ્યાન આપ્યું, પરંતુ એકવાર સેટ થયા બાદ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. બેન ડકેટે ખાસ કરીને ઓસ્ટ્રેલિયન બોલરોને કોઈ તક આપી ન હતી અને મેદાનની ચારે તરફ સ્ટ્રોક ફટકારીને શાનદાર સદી પૂરી કરી હતી.

બેન ડકેટે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે માત્ર ૧૪૩ બોલમાં ૧૬૫ રન બનાવ્યા, જેમાં ૧૭ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગ્સ સાથે જ ડકેટે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ નાથન એશ્લે અને એન્ડી ફ્લાવરના નામે હતો, જેમણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૧૪૫-૧૪૫ રનની ઇનિંગ્સ રમી હતી. બેન ડકેટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૧૫૦થી વધુ રનની ઇનિંગ્સ રમનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ (સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર):

બેન ડકેટ- ૧૬૫ રન, વર્ષ ૨૦૨૫

નાથન એશ્લે- ૧૪૫ રન, વર્ષ ૨૦૦૪

એન્ડી ફ્લાવર- ૧૪૫ રન, વર્ષ ૨૦૦૨

સૌરવ ગાંગુલી- ૧૪૧ રન, વર્ષ ૨૦૦૦

સચિન તેંડુલકર- ૧૪૧ રન, વર્ષ ૧૯૯૮

ગ્રીમ સ્મિથ- ૧૪૧ રન, વર્ષ ૨૦૦૯

બેન ડકેટના વનડે કરિયરની વાત કરીએ તો, તેણે ૨૦૧૬માં ઇંગ્લેન્ડ માટે વનડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેણે ૨૦ વનડે મેચોમાં કુલ ૯૯૬ રન બનાવ્યા છે, જેમાં ૩ સદી અને ૬ અડધી સદી સામેલ છે.

આ પણ વાંચો....

ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, સ્ટાર ખેલાડી અચાનક માંદો પડતાં ચિંતાના વાદળો ઘેરાયા