India vs Afghanistan Series: ભારતીય ક્રિકેટ ટીમનું શિડ્યૂલ એકદમ ફિટ છે, હવે આગામી સમયમાં ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસથી લઇને એશિયા કપ, અને વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટો રમવાની છે. હવે આવા એકદમ વ્યસ્ત શિડ્યૂલમાં વધુ એક સીરીઝને લઇને અપડેટ સામે આવ્યુ છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ બાદ આયર્લેન્ડ સામે સીરીઝ રમશે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સાથે પણ ટકરાશે. વર્લ્ડકપ 2023નું પણ ત્યાં આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે સીરીઝ રમશે. એક રિપોર્ટ અનુસાર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જાન્યુઆરી 2024માં સીરીઝ રમાશે. BCCI સેક્રેટરી જય શાહે પણ અફઘાનિસ્તાન સીરીઝ તેમજ મીડિયા રાઇટ્સ અંગે પ્રતિક્રિયા આપી હતી.


પીટીઆઈના સમાચાર મુજબ, જય શાહે શુક્રવારે કહ્યું કે ક્રિકેટ મેચોના મીડિયા રાઇટ્સ ઓગસ્ટના અંત સુધીમાં નક્કી કરવામાં આવશે, જેમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરીઝ પણ સામેલ હશે. ભારત વર્લ્ડકપ (સપ્ટેમ્બર) પહેલા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે રમશે અને આ મેગા ઈવેન્ટ પછી તેની સામે પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમશે. નવા મીડિયા રાઈટ્સ એગ્રીમેન્ટની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝથી થશે. અગાઉના મીડિયા રાઇટ્સ 2018થી 2023 માટે હતા.


જય શાહે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાન સામેની સીરીઝ જાન્યુઆરીમાં થશે. આ રીતે તે હવે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ચાલનારા વર્લ્ડકપ પહેલા નહીં થાય. ભારતીય પુરુષ અને મહિલા ટીમને હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે મોકલવામાં આવશે. તેમને કહ્યું કે A ટીમ અને B ટીમ વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં. તેમને કહ્યું, “અમે એશિયન ગેમ્સમાં ભાગ લઈશું. એપેક્સ કાઉન્સિલે અમારી પુરૂષ અને મહિલા ટીમોની સહભાગિતાને મંજૂરી આપી છે.


ઉલ્લેખનીય છે કે, આ વખતે વર્લ્ડકપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. બીસીસીઆઈએ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોર્ડ કેટલાય સ્ટેડિયમને અપગ્રેડ કરી રહ્યું છે. જેમાં લખનઉ, કોલકાતા અને મુંબઈ સહિત કેટલાય શહેરોના સ્ટેડિયમનો સમાવેશ થાય છે. વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે.                                                                               


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial