biggest win in Test cricket: ક્રિકેટના ઇતિહાસમાં ઘણા એવા રેકોર્ડ છે જે સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. આવો જ એક અસામાન્ય રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીતનો છે, જે લગભગ 97 વર્ષથી અડીખમ છે. આ રેકોર્ડ ઇંગ્લેન્ડે 1928 માં ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં યોજાયેલી મેચમાં બનાવ્યો હતો. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 742 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 66 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને ઇંગ્લેન્ડનો 675 રનથી વિજય થયો.

1928 માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે 675 રનના તોતિંગ માર્જિનથી જીત મેળવીને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ નોંધાવ્યો. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 521 રન બનાવ્યા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા માત્ર 122 રનમાં જ સમેટાઈ ગયું. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગ 342 રન પર ડિક્લેર કરીને ઓસ્ટ્રેલિયાને 742 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 66 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ જીતમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ઐતિહાસિક મેચની વિગતો:

  1. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ: પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા શાનદાર પ્રદર્શન કર્યું. પેટ્સી હેન્ડ્રેને 169 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 16 ચોગ્ગાનો સમાવેશ થાય છે. હેરોલ્ડ લારવુડ (70) અને પર્સી ચેપમેન (50) ના અર્ધશતકોની મદદથી ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 521 રનનો મોટો સ્કોર બનાવ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી જેક ગ્રેગરી અને ક્લેરી ગ્રિમેટે 3-3 વિકેટ ઝડપી.
  2. ઓસ્ટ્રેલિયાનું નિષ્ફળ પ્રદર્શન: જવાબમાં, ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. જેક રાઇડરના 33 રન સિવાય કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહીં અને આખી ટીમ 122 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડના હેરોલ્ડ લારવુડે 6 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી. આનાથી ઇંગ્લેન્ડને 399 રનની વિશાળ લીડ મળી.
  3. ઇંગ્લેન્ડનો વિશાળ લક્ષ્યાંક: બીજી ઇનિંગમાં પણ ઇંગ્લેન્ડે આક્રમક બેટિંગ ચાલુ રાખી. ફિલ મીડ (73) અને ડગ્લાસ જાર્ડિન (65) ના યોગદાનથી ઇંગ્લેન્ડે 342 રન બનાવી ઇનિંગ ડિક્લેર કરી. આ રીતે, ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 742 રનનો અશક્ય લક્ષ્યાંક મળ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી ક્લેરી ગ્રિમેટે ફરી 6 વિકેટ લઈને પ્રભાવ પાડ્યો.
  4. ઓસ્ટ્રેલિયાનો ધબડકો અને જીતનો રેકોર્ડ: 742 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એકવાર નિષ્ફળ રહી. ઇંગ્લેન્ડના બોલરો સામે તેઓ ટકી શક્યા નહીં અને આખી ટીમ માત્ર 66 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડ તરફથી જેક વ્હાઇટે 4 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે, ઇંગ્લેન્ડે 675 રનના માર્જિનથી સૌથી મોટી જીતનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો, જે આજે પણ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી જીત તરીકે નોંધાયેલો છે.