IND vs AUS semi final 2025: ક્રિકેટ ચાહકો માટે એક રોમાંચક મુકાબલો આવવાનો છે કારણ કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ 4 માર્ચે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. રોહિત શર્માની ટીમ આ મેચમાં ગત વર્ષે 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. વર્લ્ડ કપની ફાઇનલ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક પણ વનડે મેચ રમાઈ નથી, જેના કારણે આ મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે. ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર ફોર્મમાં છે, જ્યારે ઓસ્ટ્રેલિયાને છેલ્લી બે મેચમાં વરસાદના કારણે પૂરી ઓવરો રમવા મળી નથી. આમ છતાં, બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે.

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 151 મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે રહ્યું છે અને તેણે 84 મેચમાં જીત મેળવી છે, જ્યારે ભારતે 57 મેચ જીતી છે. 10 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો, આ બંને ટીમો 4 વખત ટકરાઈ છે, જેમાં ભારતે 2 અને ઓસ્ટ્રેલિયાએ 1 મેચ જીતી છે, જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી. જો તાજેતરના પ્રદર્શનની વાત કરીએ તો, છેલ્લી 5 મેચોમાં ભારતે 3 અને ઓસ્ટ્રેલિયાએ 2 મેચ જીતી છે, જે બન્ને ટીમો વચ્ચેના જબરદસ્ત મુકાબલાનો સંકેત આપે છે.

હવામાનની આગાહી મુજબ, 4 માર્ચે દુબઈમાં વરસાદની કોઈ શક્યતા નથી. જો કે આકાશ વાદળછાયું રહી શકે છે, પરંતુ મેચમાં કોઈ વિક્ષેપ પડવાની સંભાવના નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દુબઈનું તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે પવન 27 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને ભેજનું પ્રમાણ 34% રહેશે.

દુબઈની પીચની વાત કરીએ તો, શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ મળી શકે છે, જ્યારે બોલ જૂનો થતા સ્પિનરોને ફાયદો થઈ શકે છે. બેટ્સમેનો માટે આ પીચ પર રન બનાવવા માટે થોડો સમય લેવો પડી શકે છે. એકવાર જમા થયા પછી, બેટ્સમેન મોટા શોટ રમી શકે છે. જો કે નવા બેટ્સમેનો માટે તરત જ મોટા શોટ રમવા જોખમી સાબિત થઈ શકે છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 61 વનડે મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 23 મેચ જીતી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરનારી ટીમે 36 મેચમાં વિજય મેળવ્યો છે. આ પીચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 219 રન છે, જ્યારે બીજી ઇનિંગનો સરેરાશ સ્કોર 193 રન છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાએ લક્ષ્યનો બચાવ પણ કર્યો છે અને સફળતાપૂર્વક પીછો પણ કર્યો છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11

ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા ટીમ: જેક ફ્રેઝર-મેકગર્ક, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટ-કીપર), ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, નાથન એલિસ, એડમ ઝમ્પા, સ્પેન્સર જોન્સન, સીન એબોટ.

આ પણ વાંચો....

શ્રેયસ અય્યરે બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ, બાબર સાથે ખરાબ યાદીમાં નામ સામેલ