IND vs AUS semi-final 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે લીગ તબક્કામાં જીતની હેટ્રિક લગાવી છે. ભારતે પ્રથમ મેચમાં બાંગ્લાદેશ અને ત્યારબાદ પાકિસ્તાનને 6 વિકેટથી પરાજય આપી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું હતું. છેલ્લી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 44 રનોથી હરાવ્યું હતું. વિજય રથ પર સવાર ભારતીય ટીમ હવે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.


ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવવું ખૂબ જ જરૂરી છે. જો કે, કાંગારૂ ટીમમાં એવા પાંચ ખેલાડીઓ છે જે ભારતની જીતના માર્ગમાં મોટો અવરોધ બની શકે છે. આ ખેલાડીઓમાં માત્ર ટ્રેવિસ હેડ જ નહીં પરંતુ અન્ય ચાર ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જેમનાથી ભારતીય ટીમે સાવધાન રહેવાની જરૂર છે.


આ ખેલાડીઓ છે જે ભારત માટે ખતરો બની શકે છે:



  1. ટ્રેવિસ હેડ


ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ મોટી ICC ટુર્નામેન્ટ્સમાં ભારતનું સપનું ચકનાચૂર કરવા માટે કુખ્યાત છે. પછી ભલે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઇનલ હોય કે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ, હેડે ભારતીય ટીમના વિજયના સપનાને રોળ્યા છે. ODI વર્લ્ડ કપની ફાઇનલમાં, જે 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, હેડે શાનદાર 137 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી જીત અપાવી હતી. WTC 2023ની ફાઇનલમાં પણ તેના બેટથી 163 રનની તોફાની ઇનિંગ જોવા મળી હતી.



  1. જોશ ઇંગ્લીસ


ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં વિકેટકીપર બેટ્સમેન જોશ ઇંગ્લીસે શાનદાર સદી ફટકારી હતી. તેણે માત્ર 86 બોલમાં અણનમ 120 રન બનાવ્યા હતા. ઇંગ્લિસના તાજેતરના ફોર્મને જોતા, ભારતીય બોલરોએ તેની સામે ખાસ રણનીતિ બનાવવી પડશે.



  1. સ્ટીવ સ્મિથ


ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ ભારત સામે હંમેશા રન બનાવવામાં સફળ રહ્યો છે. ભારત સામે રમાયેલી 29 વનડે મેચોમાં તેણે 52.40ની સરેરાશથી 1310 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી પણ ફટકારી છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 149 રન છે. સ્મિથની અનુભવી બેટિંગ લાઇનઅપને જોતા ભારત માટે તે ખતરો સાબિત થઇ શકે છે.



  1. ગ્લેન મેક્સવેલ


ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પોતાની આક્રમક બેટિંગથી મેચનું પરિણામ પલટવાની ક્ષમતા ધરાવે છે. ODI વર્લ્ડ કપ 2023માં તેણે અફઘાનિસ્તાન સામે અશક્ય લાગતી મેચને એક હાથે જીતાડી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ તેણે ઇંગ્લેન્ડ સામે માત્ર 15 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. મેક્સવેલની તોફાની બેટિંગ ભારતીય બોલરો માટે ચિંતાનો વિષય બની શકે છે.



  1. આદમ ઝમ્પા


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમી ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પીચ સ્પિનરોને મદદરૂપ સાબિત થઈ શકે છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય સ્પિનરોએ 9 વિકેટ ઝડપી હતી, જેમાં વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી. આવી પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​એડમ ઝમ્પા પણ ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઝમ્પાની સ્પિન બોલિંગ ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.


આ પણ વાંચો....


ભારતે 25 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનો બદલો લીધો, રોહિત સેના માટે 3 ખેલાડી બન્યા હીરો