Champions Trophy 2025 Tickets: ચાહકો આતુરતાથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની રાહ જોઈ રહ્યા છે, કારણ કે 8 વર્ષ પછી આ મોટી ટૂર્નામેન્ટ ફરીથી થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન કરે છે, પરંતુ તે હાઇબ્રિડ મોડલ પર રમાશે. જ્યાં ટીમ ઈન્ડિયાની તમામ મેચ UAEની ધરતી પર યોજાશે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તમામ મેચ કરાચી, રાવલપિંડી અને લાહોરના મેદાન પર રમાશે. હવે માહિતી સામે આવી છે કે પાકિસ્તાનમાં યોજાનારી તમામ મેચોની ટિકિટ ક્યારે ઉપલબ્ધ થશે.


28મી જાન્યુઆરીથી ટિકિટ ઉપલબ્ધ થશે


ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચો પાકિસ્તાનમાં યોજાવાની છે. આ તમામની ટિકિટ 28 જાન્યુઆરીથી પાકિસ્તાની સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી ઉપલબ્ધ થશે. ક્રિકેટ ચાહકો બીજી સેમિફાઇનલ સહિત 10 મેચની ટિકિટ ખરીદવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. પાકિસ્તાનમાં રમાનારી મેચોની સામાન્ય ટિકિટ 1000 પાકિસ્તાની રૂપિયાથી શરૂ થશે. જ્યારે પ્રીમિયમ બેઠક માટેની ટિકિટ 1500 પાકિસ્તાની રૂપિયાથી ઉપલબ્ધ થશે. મતલબ કે ચાહકોને ઓછા પૈસામાં સ્ટેડિયમમાં જઈને મેચ જોવાનો મોકો મળશે.


પાકિસ્તાન 1996 પછી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરશે


ICC ચીફ કોમર્શિયલ ઓફિસર અનુરાગ દહિયાએ કહ્યું: “અમે ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સત્તાવાર ટિકિટના વેચાણની જાહેરાત કરતાં રોમાંચિત છીએ. પાકિસ્તાનમાં ક્રિકેટ માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે, જે 1996 પછી તેની પ્રથમ ICC ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે.


તમે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ટિકિટ ખરીદી શકો છો


ચેમ્પિયન્સ ટ્રોફીના ડિરેક્ટર સુમૈર અહેમદ સૈયદે જણાવ્યું હતું કે સસ્તી ટિકિટના ભાવ એ બતાવે છે કે તમામ ક્ષેત્રના ચાહકો આ ઐતિહાસિક ટૂર્નામેન્ટનો ભાગ બની શકે, જે ક્રિકેટ ચાહકોની તમામ પેઢીઓ માટે એક ઉત્સવ બની જશે. અમે ટિકિટોને ન માત્ર સસ્તી પરંતુ અધિકૃત ઓનલાઈન પ્લેટફોર્મ અને સમગ્ર પાકિસ્તાનમાં 100 થી વધુ આઉટલેટ્સ દ્વારા સુલભ પણ બનાવી છે. ભારતની મેચોની ટિકિટની માહિતી પછીથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ગ્રુપ સ્ટેજ:


ગ્રુપ A: પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ


ગ્રુપ બી: ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન  


ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ભારતીય ટીમ તેની બધી મેચ પાકિસ્તાનની બહાર રમશે. કારણ કે BCCI એ પહેલાથી જ કહ્યું હતું કે તે આ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલશે નહીં.