INDvsPAK: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં 14,000 રનનો આંકડો પાર કરી લીધો છે. આ અનુભવી બેટ્સમેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામે તેની ઇનિંગમાં 15મો રન બનાવ્યો ત્યારે આ સિદ્ધિ મેળવી હતી. તે ODI ક્રિકેટમાં 14,000 રન બનાવનાર વિશ્વનો માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલી જ્યારે પણ મેદાનમાં ઉતરે છે ત્યારે તેના નામે કોઈને કોઈ રેકોર્ડ નોંધાય છે. 

ચાલો ODI ફોર્મેટમાં કોહલીના આંકડાઓ પર એક નજર કરીએ

કોહલી હવે વનડેમાં સચિન તેંડુલકર (18,426) અને શ્રીલંકાના કુમાર સંગાકારા (14,234)ની યાદીમાં સામેલ થઈ ગયો છે. કોહલીએ 299 મેચની 287 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો છે. તે આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. તમને જણાવી દઈએ કે તેંડુલકરે 359 મેચની 350 ઇનિંગ્સમાં 14,000 રન પૂરા કર્યા હતા. સંગાકારાએ 402 મેચોની 378 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો.

સચિન તેંડુલકરે પણ પાકિસ્તાન સામે પોતાના 14 હજાર વનડે રન પૂરા કર્યા હતા. તેણે 6 ફેબ્રુઆરી 2006ના રોજ પેશાવરમાં 14 હજાર રન પૂરા કર્યા, જે તેની 359મી મેચની 350મી ઇનિંગ હતી. 

વિરાટ કોહલીની વનડે ક્રિકેટ કારકિર્દી 

તેણે 18 ઓગસ્ટ 2008ના રોજ દામ્બુલામાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ સામે તેની ODI ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં લગભગ 58 ની એવરેજથી 14,000 થી વધુ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં 183 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. 50 ઓવરના ફોર્મેટમાં તે વિશ્વનો ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

વિરાટ કોહલી vs પાકિસ્તાન

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 16 વનડે મેચ રમી છે. જેમાં તેણે 52ની એવરેજથી 678 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામે તેનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે. આ ફોર્મેટમાં કોહલીએ પાકિસ્તાન સામે 3 સદી ફટકારી છે. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અત્યારે ભલે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હોય, પરંતુ જ્યારે પણ તે પાકિસ્તાનનો સામનો કરે છે, ત્યારે કોહલી મોટાભાગે રન બનાવે છે. પાકિસ્તાન સામેની વનડેમાં કોહલીની એવરેજ 50થી વધુ છે.  

INDvsPAK: વિરાટ કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝરુદ્દીનનો આ મોટો રેકોર્ડ, જાણો