Ravindra Jadeja retirement hint: રવિન્દ્ર જાડેજા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ બાદ વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દરમિયાન કેટલાક એવા સંકેતો જોવા મળ્યા છે, જેના કારણે આવી અટકળો તેજ થઈ છે.
મેચમાં જ્યારે રવિન્દ્ર જાડેજાએ તેની ઓવરનો સ્પેલ પૂરો કર્યો, ત્યારે વિરાટ કોહલીએ તેને ઉમળકાભેર ગળે લગાવ્યો હતો. આ ભાવુક ક્ષણને ઘણા લોકોએ જાડેજાની સંભવિત નિવૃત્તિના સંકેત તરીકે જોયો છે. ઉલ્લેખનીય છે કે જાડેજા અગાઉથી જ T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.
રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિનો મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, અને તેમના યોગદાન બદલ ચાહકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ મેચમાં જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 10 ઓવરમાં માત્ર 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી. બેટિંગમાં પણ તેણે 14 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જાડેજાનું પ્રદર્શન જોઈએ તો, 4 મેચમાં તેણે માત્ર ચાર વિકેટ લીધી છે અને બેટિંગમાં પણ ફાઈનલ પહેલાના 2 દાવમાં માત્ર 18 રન બનાવ્યા હતા.
રવિન્દ્ર જાડેજાની ODI કારકિર્દી પર નજર કરીએ તો, ફેબ્રુઆરી 2009માં તેણે શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. છેલ્લા 16 વર્ષથી તે વનડે ક્રિકેટમાં ટોચના ઓલરાઉન્ડરોમાંનો એક રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ પહેલા તેણે 203 ODI મેચોમાં 2,797 રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, તે ક્યારેય વનડેમાં સદી ફટકારી શક્યો નથી. બોલિંગમાં તેણે ODI ક્રિકેટમાં 230 વિકેટ પોતાના નામે કરી છે.
નોંધનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ પહેલા એક ખૂબ જ સુંદર અને રોમેન્ટિક દ્રશ્ય જોવા મળ્યું. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એકબીજાને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવતા જોવા મળે છે.
આ પણ વાંચો...
ટીમ ઈન્ડિયા માટે 'રવિવાર' જ અસલી વિલન? ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનું જોખમ તોળાઈ રહ્યું છે!