Rohit Sharma Champions Trophy 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિને લઈને અટકળો તેજ થઈ છે. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે તો ત્યાં સુધી દાવો કર્યો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.

વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર દુબઈમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર છે. આ મહાન મેચ પહેલા રોહિત શર્માની નિવૃત્તિના સમાચાર ફરીથી ચર્ચામાં આવ્યા છે. સંજય માંજરેકરે ESPN સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મને લાગે છે કે શું રોહિત શર્માએ નિવૃત્તિનો નિર્ણય લીધો છે? શું તે 2027ના વનડે વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે? મને નથી લાગતું કે તે શક્ય છે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી તેની છેલ્લી ટૂર્નામેન્ટ પણ હોઈ શકે છે. હું ઇચ્છું છું કે રોહિત શર્મા આગળ પણ રમતો રહે."

માંજરેકરે રોહિત શર્માની બેટિંગ શૈલીના વખાણ કરતા કહ્યું કે, "રોહિત શર્માની લોકપ્રિયતા 2023ના ODI વર્લ્ડ કપથી વધી છે. મને તેના વિશે જે સૌથી વધુ ગમ્યું તે એ હતું કે તે નિઃસ્વાર્થ ભાવનાથી ક્રિકેટ રમ્યો હતો. પોતાની સદીની ચિંતા કર્યા વિના તેણે ટીમને ઝડપી અને આક્રમક શરૂઆત આપવાનો આગ્રહ રાખ્યો, જેના કારણે પછી આવનારા બેટ્સમેનો માટે પરિસ્થિતિ સરળ બની ગઈ."

રોહિત શર્મા હાલમાં 37 વર્ષનો છે અને એપ્રિલમાં તે 38 વર્ષનો થશે. 2027ના ODI વર્લ્ડ કપ સુધીમાં તેની ઉંમર 40 વર્ષને વટાવી જશે. રોહિતે પહેલાથી જ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે જો તે રમવાનું ચાલુ રાખે તો તેની નજર 2027 ODI વર્લ્ડ કપ પર હોઈ શકે છે. જો કે રોહિતના મનમાં શું ચાલી રહ્યું છે તે તો ફક્ત તે જ જાણે છે. ઉંમરના હિસાબે જોઈએ તો રોહિતની ફિટનેસ હજુ પણ સારી છે અને તે શાનદાર ક્રિકેટ રમી શકે છે. હવે જોવાનું એ રહે છે કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પછી નિવૃત્તિ લે છે કે નહીં, અને જો લેશે તો શું આ ખરેખર તેની છેલ્લી ICC ટૂર્નામેન્ટ હશે?

આ પણ વાંચો....

ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, સ્ટાર ખેલાડી અચાનક માંદો પડતાં ચિંતાના વાદળો ઘેરાયા