Cheteshwar Pujara Cricket Expert: વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અચાનક કથળ્યું છે. આઈપીએલ 2026 પછી યુકે પ્રવાસે ગયેલી ભારતીય ટીમ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે એક પણ મેચ જીતી શકી નથી. ઈંગ્લેન્ડે 5 મેચની સિરીઝમાં ભારતને 4-0 થી હરાવ્યું, જ્યારે આ પહેલા આયર્લેન્ડે પણ બંને મેચ જીતીને ભારતને ક્લીન સ્વીપ કર્યું હતું. યુકે પ્રવાસની કુલ 6 મેચોમાં મળેલી આ શરમજનક હાર બાદ ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પૂજારાએ ટીમના કંગાળ પ્રદર્શનના 3 મુખ્ય કારણો આપ્યા છે. ચાલો જાણીએ પૂજારાના મતે ટીમ ઈન્ડિયા ક્યાં થાપ ખાઈ ગઈ.
1. નબળો મિડલ ઓર્ડર
પૂજારાના મતે હારનું સૌથી મોટું અને પહેલું કારણ ભારતીય ટીમનો મિડલ ઓર્ડર હતો. તેમણે એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, "ઈંગ્લેન્ડ પાસે 5, 6, 7 અને 8 નંબર પર એવા બેટ્સમેન હતા જેમણે ટીમના સ્કોરમાં સતત અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેની સરખામણીમાં ભારત પાસે 5 નંબર પર તિલક વર્મા અને 6 નંબર પર શિવમ દુબે હતા, પરંતુ તેઓ ઈંગ્લેન્ડના ખેલાડીઓ જેવું સંતોષકારક પ્રદર્શન કરી શક્યા નહીં."
2. યોગ્ય ઓલરાઉન્ડર્સની કમી
હારનું બીજું કારણ જણાવતા પૂજારાએ ટીમમાં યોગ્ય ઓલરાઉન્ડર્સની અછત પર ભાર મૂક્યો હતો. આધુનિક T20 ક્રિકેટમાં એવા ખેલાડીઓની ખાસ જરૂર હોય છે જે બેટ અને બોલ બંનેથી મેચનું પાસું પલટી શકે. પૂજારાએ સ્પષ્ટ કર્યું કે ભારતીય ટીમમાં આવા યોગ્ય ઓલરાઉન્ડર્સનો અભાવ છે, અને આગામી સમય માટે આ એક બહુ મોટો ચિંતાનો વિષય છે.
આ પણ વાંચોઃ IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
3. અત્યંત ખરાબ ફિલ્ડિંગ
ત્રીજું અને સૌથી ચિંતાજનક કારણ ભારતીય ખેલાડીઓનું નિરાશાજનક ફિલ્ડિંગ હતું. પૂજારાએ કડક શબ્દોમાં કહ્યું કે, "આપણે એ સ્વીકારી શકીએ કે આ એક યુવા ટીમ છે, તેથી ક્યારેક બેટિંગ કે બોલિંગમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન થાય તે સમજી શકાય, પરંતુ ખરાબ ફિલ્ડિંગ બિલકુલ ચલાવી ન લેવાય. T20 ફોર્મેટમાં ફિલ્ડિંગની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે, પરંતુ આ સમગ્ર સિરીઝ દરમિયાન ભારતનું ફિલ્ડિંગ અત્યંત નબળું રહ્યું, જે ટીમ મેનેજમેન્ટ માટે મોટો પ્રશ્ન છે."
