નવી દિલ્હીઃ ભારતના પૂર્વ સ્ટાર ફાસ્ટ બૉલર એસ શ્રીસંતની કેરાલાની રણજી ટીમમાં વાપસી થઇ ગઇ છે. કેરાલા ક્રિકેટ ટીમે તેને ડૉમેસ્ટિક ક્રિકેટ રમવાની હા પાડી દીધી છે. પરંતુ ટીમના કૉચ ટીનૂ યોહાનને એક મોટો ખુલાસો કર્યો, યોહાનને કહ્યું કે ટીમમાં વાપસી પહેલા શ્રીસંતે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે.

37 વર્ષી એસ.શ્રીસંત પર બીસીસીઆઇએ ઓગસ્ટ, 2013માં આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ કાંડમાં આજીવન પ્રતિબંધ લાદી દીધો હતો. જોકે, બીસીસીઆઇના લોકપાલ ડી કે જૈને ગયા વર્ષે સજાને ઘટાડીને સાત વર્ષ કરી દીધી હતી. આ બાદ શ્રીસંતના ક્રિકેટના રસ્તા ખુલી ગયા હતા.

કેરાલા રણજી ટીમના કૉચ ટીનૂ યોહાનને કહ્યું કે, અમે અને સમગ્ર કેરાલા શ્રીસંતની વાપસીથી ખુશ છે. શ્રીસંત સપ્ટેમ્બરમાં બીસીસીઆઇમાં પોતાની ફિટનેસ સાબિત કરી દેશે તો તે કેરાલાની ટીમમાં રમી શકશે.



કૉચ યોહાનને કહ્યું કે શ્રીસંતની પાસે પોતાની ફિટનેસ સાબિત કરવા પર્યાપ્ત સમય છે, સપ્ટેમ્બરમાં તેનો પ્રતિબંધ હટી જશે, સારી વાત છે કે તેને તૈયાર થવાનો સમય મળશે. તે રમત અને ફિટનેસ પર હાલ મહેનત કરી રહ્યો છે. સાબિત કરશે તો ટીમમાં રમી શકશે.

કોરોના મહામારીના કારણે હાલ દેશમાં દરેક પ્રકારની ક્રિકેટ બંધ છે, હવે સપ્ટેમ્બર બાદ ડૉમેસ્ટિક ક્રિકેટ શરૂ થવાની છે, જેને ધ્યાનમાં રાખીને શ્રીસંત ફિટનેસ પર કામ કરી રહ્યો છે.