ક્રિકેટર દીપક હુડ્ડા ઘણા સમયથી ભારતીય ટીમની બહાર છે. તેણે IPL 2025માં પણ સારું પ્રદર્શન કર્યું ન હતું. હવે, તે રણજી ટ્રોફીમાં ઉત્તમ ફોર્મમાં છે. પહેલી મેચમાં છત્તીસગઢ સામે સદી ફટકાર્યા બાદ તેણે હવે બેવડી સદી ફટકારી છે. તેણે રણજી ટ્રોફીના ઇતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ સામે આ બેવડી સદી ફટકારી હતી. રાજસ્થાન-મુંબઈ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

Continues below advertisement

દીપક હુડ્ડા 248 રન બનાવ્યા

રાજસ્થાન તરફથી દિપક હુડ્ડા ચોથા નંબરે મેદાન પર આવ્યો હતો. તેણે 248 રન બનાવ્યા હતા. 335 બોલની પોતાની ઇનિંગમાં તેણે 22 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. રણજી ટ્રોફીમાં આ તેનો બીજો સૌથી વધુ સ્કોર છે. અગાઉ, દીપકે 2016માં અણનમ 293 રન બનાવ્યા હતા. તેણે કાર્તિક શર્મા સાથે પાંચમી વિકેટ માટે 263 રનની ભાગીદારી કરી હતી. યુવા બેટ્સમેન કાર્તિકે 139 રન બનાવ્યા હતા.

Continues below advertisement

મુંબઈ બેકફૂટ પર

રાજસ્થાને 6 વિકેટે 617 રન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો. દિપક હુડાના આઉટ થયા બાદ કેપ્ટન મહિપાલ લોમરોએ દાવ ડિક્લેર કર્યો હતો. સ્ટાર્સથી ભરપૂર મુંબઈની ટીમે પોતાની પહેલી ઈનિંગમાં ફક્ત 254 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ પણ આ મેચમાં રમી રહ્યો છે. અજિંક્ય રહાણે, સરફરાઝ ખાન, શાર્દુલ ઠાકુર અને તુષાર દેશપાંડે જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં છે.

પહેલી ઈનિંગમાં 363 રનથી પાછળ રહ્યા બાદ મુંબઈએ બીજી ઈનિંગમાં સારી શરૂઆત કરી હતી. ત્રીજા દિવસની રમતના અંતે મુંબઈનો સ્કોર 22 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 89 રન હતો. યશસ્વી 56 બોલમાં 56 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. મુશીર ખાને 32 રન બનાવ્યા છે. જોકે, મુંબઈ હજુ પણ 274 રનથી પાછળ છે.

મણિપુરે મેચ જીતી લીધી

ત્રીજા દિવસે મણિપુરે નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. પ્લેટ ગ્રુપ મેચમાં અરુણાચલ પ્રદેશને એક ઇનિંગ્સ અને 119 રનથી હરાવ્યું હતું. બેટ્સમેનોના પ્રદર્શનના આધારે મણિપુરે 505 રન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો. ત્યારબાદ બોલરોએ અરુણાચલ પ્રદેશનો દાવ ખતમ કરી દીધો.

અનુકુલ રોયની 10 વિકેટ

આ દરમિયાન ઝારખંડના અનુકુલ રોયે એલીટ ગ્રુપ- A મેચમાં 10 વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. તેણે નાગાલેન્ડ સામે પ્રથમ ઇનિંગ્સમાં આઠ અને બીજી ઇનિંગ્સમાં બે વિકેટ લીધી હતી. નાગાલેન્ડે ફોલોઓન કરતી વખતે પાંચ વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ઇનિંગ્સથી હારનો ખતરો મંડરાઈ રહ્યો છે.