IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે એક વિકેટના નુકસાને 135 રન બનાવી લીધા હતા. રોહિત શર્મા અને શુભમન ગિલે બીજા દિવસની શરૂઆત શાનદાર રીતે કરી હતી. આ દરમિયાન રોહિત શર્મા 103 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ ભારતનો યુવા સ્ટાર દેવદત્ત પડિકલ તેની ટેસ્ટ કારકિર્દીનો પહેલો બોલ રમવા મેદાનમાં આવ્યો હતો. રજત પાટીદારના સ્થાને પાંચમી ટેસ્ટ મેચમાં પડિક્કલને મોકો આપવામાં આવ્યો હતો.


 






ડેબ્યૂ મેચમાં દેવદત્ત પડિકલે શાનદાર ઇનિંગ રમી હતી


પાંચમી ટેસ્ટ મેચમાં ભારત ખૂબ જ સારી સ્થિતિમાં પહોંચી ગયું હતું, તેથી દેવદત્ત પડિકલ પાસે હિંમતભેર રમીને ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કરવા માટે ઘણો સમય હતો. પડિકલે તેની ડેબ્યૂ મેચમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી અને તકોનો લાભ કેવી રીતે લેવો તે બતાવ્યું. તેણે 65 રન બનાવવા માટે 103 બોલ રમ્યા, જેમાં તેણે 10 ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો. પડિકલે 93મી ઓવરના પહેલા બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી.


 






શોએબ બશીર બોલિંગ કરી રહ્યો હતો, જેનો બોલ પડિકલ સમજી ન શક્યો સ્ટમ્પ પર લાગ્યો. તે ભલે 100 સુધી પહોંચી શક્યો ન હોય, પરંતુ પડિકલના ડેબ્યૂને જોતા તેનામાં એક ઉત્તમ મિડલ ઓર્ડર બેટ્સમેનની ઝલક જોવા મળે છે. તેણે છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. વિરાટ કોહલી ટેસ્ટમાં ચોથા નંબર પર રમે છે, પરંતુ તેની ગેરહાજરીમાં પડિકલે તેની ડેબ્યૂ મેચમાં જ એક નવી સિદ્ધિ મેળવી છે.


દેવદત્ત પડિકલને રવિ અશ્વિન તરફથી કેપ મળી હતી


દેવદત્ત પડિક્કલે એ જ ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે જેમાં રવિ અશ્વિન તેની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. મેચની શરૂઆત પહેલા અશ્વિને પોતે પડિકલને કેપ આપી હતી અને તેને સારું રમવા માટે શુભેચ્છા પાઠવી હતી. આ અગાઉ, પડિક્કલ સ્થાનિક ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો હતો, જેના પરિણામે તે પોતાની ટેસ્ટ ડેબ્યૂમાં પણ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.