- ધ્રુવ જુરેલે મેદાન પર ધોનીની યાદ અપાવતું અદભુત અને ઝડપી સ્ટમ્પિંગ કર્યું.
- રવિ બિશ્નોઈના ગુગલી બોલ પર કેમેરોન ગ્રીનને ચપળતાથી આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો.
- IPL કારકિર્દીમાં જુરેલે આ પહેલીવાર કોઈ બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કર્યા છે.
- વિકેટકીપર તરીકે તેણે અત્યાર સુધી કુલ 26 કેચ ઝડપ્યા છે.
- IPL 2026 ની 6 મેચોમાં 181 રન બનાવી જુરેલ અત્યારે શાનદાર ફોર્મમાં છે.
Dhruv Jurel stumping video: ક્રિકેટના મેદાન પર ક્યારેક એવા દ્રશ્યો જોવા મળે છે જે સીધા મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી દે છે. તાજેતરમાં IPL માં રાજસ્થાન રોયલ્સના યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલે આવો જ એક ચમત્કાર કર્યો છે. તેણે એક એવી અદભુત સ્ટમ્પિંગ કરી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જુરેલની આ ચપળતા જોઈને દિગ્ગજ ક્રિકેટરો અને ચાહકો પણ દંગ રહી ગયા છે. આ અનોખા પરાક્રમે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે.
વાત જાણે એમ છે કે, 156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગ્સની 5 મી ઓવર ચાલી રહી હતી. બોલિંગ આક્રમણ પર રવિ બિશ્નોઈ હતા અને ક્રીઝ પર કેમેરોન ગ્રીન રમી રહ્યો હતો. ઓવરના 4 થા બોલ પર, બિશ્નોઈને અંદાજ આવી ગયો કે ગ્રીન મોટો શોટ રમવાનો પ્રયાસ કરશે, તેથી તેણે ચાલાકી વાપરીને લેગ સ્ટમ્પ તરફ ગુગલી ફેંકી દીધી.
આ સમયે બેટ્સમેન ગ્રીન, જુરેલની બરાબર સામે હોવાથી તેને બોલ કઈ દિશામાં જઈ રહ્યો છે તે બરાબર દેખાતું ન હતું. છતાં જુરેલે ગજબની સ્ફૂર્તિ બતાવીને ડાબી બાજુ ડાઇવ લગાવી, બોલને પકડ્યો અને આંખના પલકારામાં એક હાથે જ સીધો સ્ટમ્પ પર મારી દીધો! ફેન્સ જુરેલની આ એથ્લેટિક્સમ જોઈને મોહી ગયા છે. આ દ્રશ્ય જોઈને દૂર ઉભેલો યશસ્વી જયસ્વાલ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ગ્રીન માત્ર 13 બોલમાં 27 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો.
તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે, ધ્રુવ જુરેલે અગાઉ ક્યારેય IPL માં વિકેટકીપર તરીકે કોઈ બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કર્યો ન હતો. આ તેની IPL કરિયરનું પહેલું સ્ટમ્પિંગ હતું અને તેનો પહેલો શિકાર કેમેરોન ગ્રીન બન્યો. જોકે, વિકેટકીપર તરીકે તેણે અત્યાર સુધીમાં 26 કેચ જરૂર પકડ્યા છે. બેટિંગની વાત કરીએ તો પણ જુરેલ અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે IPL 2026 ની આ સિઝનમાં રમાયેલી 6 મેચોમાં કુલ 181 રન ફટકાર્યા છે.
