જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ટી-20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી-20માં 500 વિકેટ લેનારો તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. બુધવારે ત્રિનિદાદમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં રાહકીમ કોર્નવાલને આઉટ કરવાની સાથે જ બ્રાવો 500 વિકેટના માઇલસ્ટોન સુધી પહોંચી ગયો હતો.

બ્રાવો ત્રિનબાગો નાઈટ રાઈડર્સ તરફથી આ મેચમાં સેંટ લૂસિયા જુકસ તરફથી રમતો હતો. બ્રાવોએ મેચની ચોથી ઓવરમાં રાહકીમ કોર્નવાલને આઉટ કરવાની સાથે જ આ ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી. ડ્વેન બ્રાવાએ તેની 459મી મેચમાં આ કારનામું કર્યુ હતું. 500 વિકેટની ઉપલબ્ધિ હાંસલ કરવામાં બ્રાવોની આંતરરાષ્ટ્રીય અને ક્લબ મેચ પણ સામેલ છે.



બ્રાવોએ 8.25ની ઈકોનોમાથી કરિયરમાં બોલિંગ કરી છે અને 11 વખત 4 કે તેથી વધુ વિકેટ એક મેચમાં હાંસલ કરી છે. લસિથ મલિંગા ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાના લિસ્ટમાં 389 વિકેટ સાથે બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા ક્રમે વેસ્ટ ઈન્ડિઝનો સ્પીનર સુનીલ નરેન છે.



વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર બ્રાવો આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. કેરેબિયન પ્રીમિયર લીગ ખતમ થયા બાદ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દુબઈ પહોંચીને સીએસકે સાથે જોડાશે.