વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડે અત્યંત રોમાંચક ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને માત્ર એક રનથી હરાવ્યું હતું. વેલિંગ્ટનમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 258 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  ઈંગ્લેન્ડ મેચ જીતી જશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ બેન ફોક્સના આઉટ થયા બાદ રમત પલટાઈ ગઈ હતી. જેમ્સ એન્ડરસનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડે એક રનથી મેચ જીતી લીધી હતી. 










બંને ટીમો વચ્ચેની ટેસ્ટ જીતવા માટેની લડાઇ ઘણી રોમાંચક રહી હતી. એક સમયે ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચ જીતવાની અણી પર હતી પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ હતું કે છેલ્લા બેટ્સમેન તરીકે બેટિંગ કરવા આવેલા જેમ્સ એન્ડરસનને વેગનરે આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ઐતિહાસિક જીત અપાવી હતી. વાસ્તવમાં જ્યારે ઇંગ્લેન્ડને જીતવા માટે 7 રનની જરૂર હતી અને માત્ર 1 વિકેટ બાકી હતી ત્યારે એન્ડરસને ચોગ્ગો ફટકાર્યો હતો. જેણે મેચ ખૂબ જ રોમાંચક બનાવી દીધી. ઇંગ્લેન્ડને જીતવા માટે 2 રનની જરૂર હતી પરંતુ નીલ વેગનરે એન્ડરસનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને 1 રને જીત અપાવી હતી.


ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને જીતવા માટે 258 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 256 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. નીલ વેગનરે 4 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને શાનદાર જીત અપાવી હતી. ટિમ સાઉથીએ 3 વિકેટ લીધી હતી. આ સિવાય મેટ હેનરીએ 2 વિકેટ ઝડપી હતી. આ શાનદાર જીત સાથે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 1-1થી બરાબરી કરવામાં સફળ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સીરિઝની પ્રથમ ટેસ્ટ ઇગ્લેન્ડે જીતી હતી.


અગાઉ મેન ઓફ ધ મેચ કેન વિલિયમસન ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો અને તેની 26મી ટેસ્ટ સદીની મદદથી યજમાન ટીમે બીજી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડને 258 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોમ બ્લંડેલ (90) આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો. ટોમ અને વિલિયમસન (132)ની ઇનિંગ્સને પગલે ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 483 રન બનાવ્યા હતા.






મેચના ચોથા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે એક વિકેટે 48 રન બનાવ્યા હતા. ઓપનર બેન ડકેટ અને એલી રોબિન્સને 5મા અને છેલ્લા દિવસની રમતની શરૂઆત કરી હતી. જોકે, સાઉથીએ શરૂઆતમાં જ રોબિન્સનને બ્રેસવેલના હાથે કેચ આઉટ કરાવીને ટીમને બીજી સફળતા અપાવી હતી. આ પછી બેન ડકેટ (33) મેટ હેનરીનો તો ઓલી પોપ (14) નીલ વેગનરનો શિકાર બન્યો હતો.


આ પછી પ્રથમ દાવમાં ધમાકેદાર સદી ફટકારનાર હેરી બ્રુક થોડો કમનસીબ રહ્યો અને ખાતું ખોલાવ્યા વિના જ રનઆઉટ થયો હતો. અહીં પૂર્વ કેપ્ટન જો રૂટ અને વર્તમાન કેપ્ટન બેન સ્ટોક્સે સારી ભાગીદારી કરીને ટીમને 200 રનની પાર પહોંચાડી હતી. સ્ટોક્સ થોડો ધીમો રમી રહ્યો હતો જ્યારે રૂટ ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો. બાદમાં વેગનરે સ્ટોક્સને 33 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. બાદમાં રૂટ પણ 95 રનના સ્કોર પર વેગનરનો શિકાર બન્યો હતો.


બાદમાં વિકેટકીપર બેન ફોક્સ ટીમને જીતની નજીક લઈ ગયો હતો. જોકે, આ દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડ 11 રન બનાવીને આઉટ થયો હતો. ફોક્સે 57 બોલમાં 4 ચોગ્ગાના આધારે 33 રનની ઇનિંગ રમી હતી. આ પછી જેમ્સ એન્ડરસને (4) ચોગ્ગો ફટકાર્યો અને ટીમ જીતથી માત્ર 2 રન દૂર હતી પરંતુ તે વેગનરના એક બોલ પર વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો હતો. આમ ન્યૂઝીલેન્ડે એક રનથી મેચ જીતી લીધી હતી.